વડોદરાના પોશ વિસ્તાર અલકાપુરીમાં આવેલા પ્રોડક્ટિવિટી રોડ પર નેપ્ચ્યુન ટાવરના અરાઈઝ કોમ્પ્લેક્સમાં 'તિરૂપતિ ઈમિગ્રેશન' નામની ઓફિસ ધરાવતા પિતા-પુત્રએ વિદેશ મોકલવાના બહાને અનેક લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન કેનેડા અને અન્ય દેશોમાં મોકલવાના નામે આ પિતા-પુત્રની જોડીએ કુલ 16 લોકો સાથે રૂ. 1.23 કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે અકોટા પોલીસ સ્ટેશને ગુનો નોંધી બંને આરોપી પિતા-પુત્રની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદના સંતરામ રોડ પર આવેલી શાંતિ સોસાયટીમાં રહેતા મુદ્રણ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે વર્ષ 2023માં કેનેડા જવા માટે ઓફિસના સંચાલક જીજ્ઞાસુ પટવાનો સંપર્ક કર્યો હતો. જીજ્ઞાસુએ કેનેડાની વર્ક પરમિટ અપાવવાની ખાતરી આપી રૂ. 9.50 લાખમાં કરાર કર્યો હતો. ત્યારબાદ એક્ઝામની તૈયારીના નામે તેના પુત્ર કશ્યપ પટવાએ અલગથી રૂ.50,000 લીધા હતા. આમ, કુલ રૂ. 11 લાખ ચૂકવ્યા છતાં તેમને વર્ક પરમિટ મળી ન હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ, જીજ્ઞાસુ પટવા અને તેનો પુત્ર માત્ર કેનેડા જ નહીં, પરંતુ પોલેન્ડ અને ફિનલેન્ડ જેવા દેશોમાં પણ સેટલ કરી આપવાની મોટી મોટી વાતો કરીને યુવક-યુવતીઓને પોતાની જાળમાં ફસાવતા હતા. વિદેશ જવાની ઘેલછા ધરાવતા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા બાદ આરોપીઓ કેટલાય કિસ્સાઓમાં વિઝા કે વર્ક પરમિટની કોઈ પ્રોસેસ પણ કરતા નહોતા.
અકોટા પોલીસ દ્વારા ટૂંક સમયમાં જ તિરૂપતિ ઈમિગ્રેશનની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. ઓફિસમાંથી મળી આવનારા દસ્તાવેજો અને ફાઇલોની તપાસ બાદ આ ઠગ પિતા-પુત્રની જાળમાં ફસાયેલા અન્ય ભોગ બનનારા લોકોની વિગતો અને છેતરપિંડીનો કુલ આંકડો હજુ પણ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.