'ધુરંધર' ડાયરેક્ટર આદિત્ય ધર પત્ની સાથે પહાડોમાં રહેવા ગયાની અફવા
'ધુરંધર' ડાયરેક્ટર આદિત્ય ધર પત્ની સાથે પહાડોમાં રહેવા ગયાની અફવા
October 06, 2026 02:37 PM
બોલિવૂડની સફળ જોડીઓમાં યામી ગૌતમ અને આદિત્ય ધર પણ સામેલ છે. આદિત્ય ધરે બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ 'ધુરંધર' બનાવી હતી, જેના બંને ભાગોએ મળીને ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો ધંધો કર્યો હતો. વળી, યામી ગૌતમે પણ પોતાના કરિયરમાં ઘણી સફળ ફિલ્મો કરી છે. લોકો તેમની જોડીને ખૂબ પસંદ કરે છે. તાજેતરમાં બંનેને લઈને એક અહેવાલ સામે આવ્યો હતો કે તેઓ હવે મુંબઈ છોડીને હિમાચલ પ્રદેશમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે. આદિત્ય ધર અને યામી ગૌતમ વિશે દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ પોતાના પુત્ર વેદાવિદ ધર સાથે કાયમ માટે હિમાચલ પ્રદેશને પોતાનું કાયમી ઠેકાણું બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેનું કારણ યામીનો હિમાચલ સાથેનો ખાસ નાતો જણાવવામાં આવ્યો હતો. યામીનો જન્મ હિમાચલ પ્રદેશમાં થયો છે અને તેનો પરિવાર પણ ત્યાંથી જોડાયેલો છે. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે યામીએ હિમાચલના ગોહર ખાતે આશરે ૨૫ એકર જમીનમાં બનેલું ૧૦૦ વર્ષ જૂનું હેરિટેજ હાઉસ ખરીદ્યું છે. આ જ કારણસર તેમના હિમાચલમાં વસવાટ કરવાના સમાચારોને વધુ વેગ મળ્યો હતો. જોકે, હવે આદિત્ય ધરની ટીમે આ સમાચારો પર સ્પષ્ટતા કરી છે. ધુરંધર ડિરેક્ટરની ટીમે સ્પષ્ટ કર્યું છે કે આદિત્ય અને તેમના પત્ની યામી ગૌતમ મુંબઈ છોડીને હિમાચલ પ્રદેશમાં શિફ્ટ થઈ રહ્યા નથી. જણાવી દઈએ કે યામી ગૌતમ અને આદિત્ય ધરની મુલાકાત ૨૦૧૯માં ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક'ના સેટ પર થઈ હતી. આ આદિત્યની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ હતી. ત્યારબાદ તેમની વચ્ચે પ્રેમ વધ્યો અને પછી બંનેએ ૨૦૨૧માં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા. વર્ષ ૨૦૨૪માં તેમના પુત્ર વેદાવિદનો જન્મ થયો હતો. 'આર્ટિકલ ૩૭૦' માટે તાજેતરમાં બંનેને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. યામી ગૌતમટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો, જ્યારે આદિત્ય ધર, જેમણે તેનું નિર્માણ કર્યું હતું, તેમને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો. વર્કફ્રન્ટની વાત કરીએ તો યામી ગૌતમ હાલમાં પોતાની નવી ફિલ્મ 'નઈ નવેલી' માટે પણ ચર્ચામાં છે. આ ફિલ્મ ૧૬ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.