કેશોદ તાલુકાના રંગપર પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં રીક્ષાએ બાઇકને હડફેટે લેતા કાલવાણી ગામે રહેતા બે યુવાન ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અહીં ટુંકી સારવાર બાદ એક બાદ એક બંન્ને યુવાનોએ દમ તોડી દીધો હતો. બંન્ને યુવાનો ખેતમજુરીના કામની તલાશમાં નીકળ્યા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવને લઇ પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા રીક્ષાચાલકની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ બંન્ને યુવાનોના પરિવારમાં માતમ છવાય ગયો હતો.
અકસ્માતના આ બનવાની જાણવા મળતી વિગતો મુજબ, કેશોદ તાલુકાના કાલવાણી ગામે રહેતા ભરતભાઇ ગોરધનભાઇ પરમાર(ઉ.વ. ૩૦) અને વીનુ સવજીભાઇ વાઘેલા(ઉ.વ. ૪૦) નામના બંન્ને યુવાનો ગઇકાલે બપોરના બાઇક લઇને જતા હતા ત્યારે નજીકમાં આવેલા રંગપર ગામ પાસે પહોંચતા સામેથી આવતી રીક્ષાએ બાઇકને હડફેટે લીધુ હતું. જેથી બંન્ને યુવાનો નીચે પટકાયા હતાં. જેમાં બંને ગંભીર રીતે ઘવાતા તેમને પ્રથમ સારવાર માટે કેશોદ બાદમાં જુનાગઢ ત્યારબાદ ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અહીં એક બાદ એક બંન્ને યુવાનોએ હોસ્પિટલ બીછાને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવને લઇ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, કાલવાણી ગામે રહેતો ભરત પરમાર ચાર ભાઇ અને છ બહેનના પરિવારમાં વચેટ હતો તેને સંતાનમાં બે પુત્ર છે તે છુટક મજુરી કામ કરી પરિવારનુ ગુજરાન ચલવાતો હતો જયારે વિનુ વાઘેલા ત્રણ ભાઇના પરિવારમાં મોટો હતો તેને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. યુવાન ખેતમજૂરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બંન્ને યુવાનો ગઇકાલે ખેતમજૂરીનુ કામ શોધવા માટે નીકળ્યા હતાં. દરમિયાન અજાણી રીક્ષાએ હડફેટે લેતા ગંભીર રીતે ઘવાતા બંન્નેના મોત થયા હતાં. બનાવને લઇ સ્થાનિક પોલીસે ગુનો નોંધવા અને અકસ્માત સર્જનાર રીક્ષાચાલકને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application