દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા આજે રેસકોર્સ મેદાન ખાતે સેવાના રંગ, રાષ્ટ્રને સંગ રંગોળી રાષ્ટ્ર કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આશરે ૧૫૦૦ જેટલા છાત્રોએ ૫૫૬ રનિંગ મીટરમાં માનવ સાંકળ બનાવી ૩૦૦ x ૩૫૦ ફૂટના વિરાટ ભારતના નકશાની પ્રતિકૃતિ રચી રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો. નકશામાં સૌરાષ્ટ્રની ઓળખ સમા પટોળા અને બાંધણી પાથરવામાં આવ્યા હતા, જ્યારે મધ્યમાં ૮૦ ફૂટ ડાયામીટરના સપ્તધારા સર્કલમાં અનાજ, કઠોળ અને પ્રાકૃતિક ચીજવસ્તુઓથી રંગોળી બનાવવામાં આવી હતી.રંગોળી નિર્માણમાં રાજકોટની પ્રખ્યાત ચિત્રનગરી સંસ્થા અને તેના કલાકારોએ સહયોગ આપ્યો હતો.
પ્રાસંગિક ઉદબોધનમાં મેયર ડો.નેહલ શુક્લએ જણાવ્યું હતું કે વિકસિત ભારતનો સંકલ્પ સૌ નાગરિકોનો છે, જ્યારે મંત્રી રીવાબા જાડેજાએ ૨૫ વર્ષની વિકાસયાત્રાને બિરદાવી હતી.
રંગોળી પ્રદર્શન આજથી જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે.વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા માટે યોજાયેલ રંગોળી સ્પર્ધાની કૃતિઓ આજે તા.૬ ઓક્ટોબરના રોજ બપોરે ૪ થી રાત્રે ૯ વાગ્યા સુધી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, એસ.એન.કે. સામે, આકાશવાણી ચોક, રાજકોટ ખાતે પ્રદર્શિત કરવામાં આવશે.
સ્પર્ધામાં ફક્ત કુદરતી સામગ્રી ફૂલ, માટી, રેતી, અનાજ, કઠોળ, પાંદડામાંથી રંગોળી બનાવવામાં આવી છે. ચાર થીમ રાખવામાં આવી હતી (૧) જનકલ્યાણકારી યોજનાઓ
(૨) પ્રધાનમંત્રીશ્રીના ૨૫ વર્ષના કાર્યો (૩) રાષ્ટ્રીય પ્રતીકો અને (૪) વિકસિત ભારત ૨૦૪૭નું વિઝન સહિતનો સમાવેશ થાય છે.પસંદગીની કૃતિઓ આવતીકાલે તા.૭ ઓક્ટોબરે યોજાનાર સેવા જ્યોતિ યાત્રામાં પણ પ્રદર્શિત થશે.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. નેહલ શુક્લ, શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ, ઉદય કાનગડ, રમેશ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ડેપ્યુટી મેયર દક્ષા વસાણી, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, કલેકટર ડો. ઓમપ્રકાશ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.