BREAKING NEWS

જ્ઞાનેશ કુમાર વિરૂદ્ધ રાજધાનીમાં ઘમાસાણ, ઈન્ડિયા ગઠબંધનનો ઉગ્ર દેખાવો; ફિલ્મી ડ્રામાની જેમ રાહુલ ગાંધી બેરિકેડ પર ચઢી ગયા

  • October 06, 2026 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવી દિલ્હીમાં આજે ઇન્ડિયા બ્લોકના નેતાઓ અને સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે સંસદથી ચૂંટણી પંચના મુખ્યાલય નિર્વાચન સદન તરફ કૂચ કરી હતી. ચૂંટણી યાદીઓના એસઆઈઆર મુદ્દે વિપક્ષ દ્વારા લાંબા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષનો આરોપ છે કે મતદાર યાદીમાં ફેરફાર અને નામો દૂર કરવાની પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ થઈ રહી છે. ઇન્ડિયા બ્લોકના સાંસદો સંસદના મકર દ્વાર પાસે એકઠા થયા હતા. ત્યારબાદ કોંગ્રેસના લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી વાડ્રા, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, ટીએમસીના અભિષેક બેનર્જી સહિત અનેક નેતાઓએ ચૂંટણી પંચ તરફ કૂચ શરૂ કરી હતી. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની અટકાયત કરાઈ હતી.


આ સમગ્ર વિરોધ એસઆઈઆર અને ફોર્મ- 6ને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે થયો છે. ફોર્મ 6નો ઉપયોગ મતદાર યાદીમાં નવા મતદારનું નામ સામેલ કરવા માટે થાય છે. વિપક્ષે ચૂંટણી પંચ પર ફોર્મ 6માં કથિત રીતે એકતરફી ફેરફાર કરવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, ચૂંટણી પંચે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે એસઆઈઆર સાથે જોડાયેલા ફોર્મ અને પ્રક્રિયા અંગેના તેના નિર્ણયો નિયમો અનુસાર લેવામાં આવ્યા છે અને એસઆઈઆર સંબંધિત નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા.

દિલ્હીમાં વિરોધને ધ્યાનમાં રાખીને સંસદ અને ચૂંટણી પંચના કાર્યાલય આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અનેક સ્થળોએ બેરિકેડ લગાવવામાં આવ્યા હતા અને આરએએફ સહિત સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા. આ વિરોધ સાથે ઇન્ડિયા બ્લોક અને ચૂંટણી પંચ વચ્ચેનો રાજકીય ટકરાવ વધુ ઉગ્ર બન્યો છે.


વોટ ચોર, ગદ્દી છોડ અને લોકશાહી બચાવવાના નારા લગાવ્યા

ચૂંટણી પંચના કાર્યાલય તરફ આગળ વધી રહેલા નેતાઓને પોલીસે ભારે સુરક્ષા વ્યવસ્થા અને બેરિકેડ લગાવીને રોક્યા હતા. વિરોધ કરી રહેલા સાંસદો નિર્માણ ભવન-નિતિ આયોગ વિસ્તાર પાસે રોકાયા બાદ રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. આ દરમિયાન વોટ ચોર, ગદ્દી છોડ અને લોકશાહી બચાવવાના નારા લગાવવામાં આવ્યા હતા.


થોડો સમય અટકાયત બાદ રાહુલ ગાંધી ફરીથી ધરણાં પર બેઠા

ઇન્ડિયા ગઠબંધનના વિરોધ માર્ચ દરમિયાન દિલ્હી પોલીસ અને વિપક્ષી નેતાઓ વચ્ચે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું છે. પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ સંસદ માર્ગ પર થયેલી અફરાતફરી વચ્ચે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આકાશવાણી ભવનના ગેટની અંદર પહોંચ્યા હતા. ત્યાં ખુલ્લા પરિસરમાં આવેલા એક વૃક્ષની નીચે બંને નેતાઓ જમીન પર બેસી ગયા હતા. તેમની સાથે અન્ય વિપક્ષી સાંસદો પણ બેસીને ચૂંટણી પંચ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બીજી તરફ દિલ્હી પોલીસે આકાશવાણી ભવનના મુખ્ય ગેટ પર સુરક્ષા કડક કરી દીધી છે.


રાહુલ ગાંધી- પ્રિયંકા ગાંધીની અટકાયત થયા બાદ નેતાઓએ બસ રોકી લીધી

વિરોધ પ્રદર્શન સ્થળેથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વિપક્ષી સાંસદોને બસોમાં ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા, જ્યાં કોંગ્રેસ નેતાઓએ એક બસ રોકી લેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અટકાયતમાંથી મુક્ત થવામાં સફળ રહ્યા હતા. દિલ્હીમાં ઇન્ડિયા બ્લોકના સાંસદો દ્વારા સંસદથી ચૂંટણી પંચ સુધી કાઢવામાં આવેલા વિરોધ મોરચા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પોલીસ બેરિકેડ્સ પર ચઢી ગયા હતા.

ફિલ્મી ડ્રામાની જેમ રાહુલ ગાંધી બેરિકેડ પર ચઢી ગયા

માર્ચ દરમિયાન વિપક્ષી સાંસદો ચૂંટણી પંચ તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને રોક્યા હતા. ફિલ્મી ડ્રામાની જેમ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉપરાંત કેટલાક સમાજવાદી પાર્ટીના સાંસદો બેરિકેડ પર ચઢીને આગળ વધવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ચૂંટણી પંચના કાર્યાલય સુધી પહોંચવાનો પ્રયાસ કરતા હતા.


આકાશવાણીની બહાર એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત

ઇન્ડિયન યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો આકાશવાણી ભવનની બહાર એકઠા થયા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી. આ વિસ્તારમાં બીએનએસએસની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો અમલમાં છે. દરમિયાન, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પવન ખેડા, દીપેન્દ્ર હુડ્ડા અને કે.સી. વેણુગોપાલ આકાશવાણી ભવનની અંદર હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application