BREAKING NEWS

દેવું થઈ ગયાનું પરિવારને કહેતા ડર લાગતા લૂંટની ખોટી સ્ટોરી ઘડી કાઢી, રાજકોટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો

  • October 16, 2026 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડધરી તાલુકાના ઈશ્વરીયા ગામથી ન્યારા ગામ તરફ જતા રોડ પર ટેમ્પો ચાલકને આંતરી આંખમાં સ્પ્રે છાંટી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવ્યા અંગે ફરિયાદ નોંધાઇ હતી. જે મામલે એલસીબીની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો. ફરિયાદીને દેણું થઈ ગયું હોય અને આ વાત પરિવારને કહેવાનો ડર લાગતો હોય જેથી તેણે લૂંટની ખોટી સ્ટોરી ઘડી કાઢી ચાંદીનું કડું અને વીંટી સોની બજારમાં વેચી લેણદારોને રૂપિયા 56,000 ચૂકવી દીધા હતા.


જાણવા મળતી વિગતો મુજબ, ગત તા. 12-10-2026 ના રાત્રીના દસેક વાગ્યા આસપાસ પડધરી તાલુકાના ઈશ્વરીયા ગામથી ન્યારા ગામ તરફ જતા રસ્તે જીએમ કારખાના પાટીયા પાસે મોતીભાઈ હેમંતભાઈ ચાવડીયા (ઉ.વ. 36 રહે. ન્યારા) ને ત્રણ અજાણ્યા શખ્સોએ આંતરી તેમના પર સ્પ્રે છાંટી તેમની પાસે ખિસ્સામાં રહેલ રોકડ રૂપિયા 9,800 તથા ચાંદીનું કડું અને વીંટીની લૂંટ ચલાવી હોવાની હેમંતભાઈએ પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


બનાવને લઈ એલસીબી પીઆઇ જે.પી. રાવની રાહબરી હેઠળ એલસીબીની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા ફરીયાદીએ જણાવેલી હકીકતો શંકાસ્પદ જણાતા ફરિયાદી મોતી ચાવડીયાની સઘન પૂછતાછ કરતા તેણે વટાણા વેરી દીધા હતા. તેણે પોલીસ સમક્ષ એવી કબુલાત આપી હતી કે, પોતાની પૈસાની ભીંસ હોય અને તેણે પરિવારની જાણ બહાર ઉછીના પૈસા દીધા હોય અને લેણદારોને ઉછીના લીધેલા પૈસા ચૂકવવાના હોય જેથી તેણે લૂંટ થયાનું તરકટ રચ્યું હતું.


બાદમાં આરોપીની સઘન પૂછતાછ કરતા તેણે કબુલાત આપી હતી કે, તેણે ચાંદીનું કડું તેમજ ચાંદીની વીંટી ગઈ તા. 12-10 ના બપોરના સમયે રાજકોટના સોની બજારમાં સોની દુકાને વેચી રૂપિયા 56,000 લેણદારોને ચૂકવી દીધા હતા. જેથી પોલીસે મોતી ઉઠે જબ્બો હેમંતભાઈ ચાવડીયા વિરુદ્ધ ચાંદીનું કડું તથા વીંટી સહિત રૂ.62,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કામગીરીમાં એલસીબી પીઆઇ જે.પી. રાવની રાઉન્ડની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી. ગોહિલ, કે.એમ.ચાવડા, આર.વી.ભીમાણી, પી.એન.ભરવાડ, એએસઆઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી તથા ટીમ સાથે રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application