ચોમાસાના ત્રણ મહિના વિતવા છતાં હજુ સુધી ખાલી રહેલા આજી-૧ ડેમને હવે સૌનીના નર્મદાનીરથી ભરવાનું શરૂ કરાયું છે, દરમિયાન આજે આજી-૧ ડેમમાં નર્મદાનીરનું આગમન થતા મહાનગરપાલિકા તંત્રના જીવમાં જીવ આવ્યો છે. આજી-૧ ડેમમાં તબક્કાવાર કુલ ૨૧૦૦ એમ.સી.એફ.ટી. નર્મદાનીર સૌની યોજના મારફત ઠાલવવામાં આવશે.
રાજકોટ શહેરમાં દરરોજ ૨૦ મિનિટ પાણી વિતરણની રોજિંદી વિતરણ વ્યવસ્થા માટે દરરોજ અંદાજે ૪૮૫ એમએલડી પાણીની જરૂરિયાત રહે છે, જેમાં ૧૩૫ એમએલડી નર્મદાનીર પાઇપલાઇન દ્વારા મળી રહ્યું છે. જ્યારે બાકીનો જથ્થો સ્થાનિક ડેમમાંથી મળે છે. આ વર્ષે પર્યાપ્ત વરસાદ ન હોય આજી-૧ અને ન્યારી-૧ જેવા મુખ્ય જળાશયોમાં પૂરતો જળજથ્થો જળવાઈ રહે તે શહેરની પાણી વિતરણ વ્યવસ્થા માટે અત્યંત જરૂરી છે.ચાલુ ચોમાસામાં આજી-૧ તેમજ ન્યારી-૧ ડેમમાં વરસાદી પાણીની સંતોષકારક આવક થઈ નથી. આથી આજી-૧ ડેમમાં તબક્કાવાર ૨૧૦૦ અને ન્યારી-૧ ડેમમાં તબક્કાવાર ૧૯૦૦ એમ કુલ ૪૦૦૦ એમ.સી.એફ.ટી. નર્મદાનીર સૌની યોજના મારફત તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી.