ભુજથી બરેલી જતી ટ્રેનમાં આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે. ભચાઉ રેલવે સ્ટેશન પર ટ્રેન ઊભી હતી ત્યારે આગ લાગી હતી. ભુજ બરેલી ટ્રેનના જનરલ ડબ્બામાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગ લાગતાં ટ્રેનના ડબ્બાની અંદર નાસભાગ મચી જવા પામી હતી. આગના ધુમાડા કોચમાં પહોંચતા લોકો જીવ બચાવવા માટે બારીમાંથી બહાર કુદી પડ્યા હતા. ટ્રેનમાં રહેલા અગ્નિશામક દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. આગના બનાવથી ટ્રેન મૂળ સમયથી 25 મિનિટ મોડી પડી હતી.
ડબ્બામાં બેઠેલા યાત્રીઓમાં દહેશત ફેલાઈ ગઈ હતી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અચાનક ધુમાડો નીકળતા જ ડબ્બામાં બેઠેલા યાત્રીઓમાં દહેશત ફેલાઈ ગઈ હતી. લોકો જીવ બચાવવા માટે બારીમાંથી બહાર કૂદી પડ્યા હતા. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. રેલવે સ્ટાફે તુરંત જ ટ્રેનમાં રહેલા અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ પણ થોડા જ મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
અધિકારીઓએ સમગ્ર કોચની તપાસ શરૂ કરી
આગ પર કાબૂ મેળવ્યા બાદ રેલવે અધિકારીઓએ સમગ્ર કોચની તપાસ શરૂ કરી હતી. આગના કારણે ટ્રેનને લગભગ 25 મિનિટ વિલંબથી રવાના કરવામાં આવી હતી. રેલવે વિભાગે આ બનાવની તપાસના આદેશ આપ્યા છે અને ટેકનિકલ ટીમને વિદ્યુત તંત્રની ચકાસણી કરવા સૂચના આપી છે. સ્થાનિક મુસાફરો અને રહેવાસીઓએ આગને કારણે થયેલા ગભરાટ બાદ પણ રેલવે સ્ટાફના ઝડપી પ્રતિસાદની પ્રશંસા કરી હતી. અધિકારીઓએ મુસાફરોને આશ્વાસન આપ્યું છે કે આવા બનાવો ફરી ન બને તે માટે જરૂરી તકેદારી લેવામાં આવશે.