BREAKING NEWS

દિવાળીના તહેવારોમાં આતશબાજી વચ્ચે 5 જિંદગી ઓલવાઈ, સોરઠમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ

  • November 13, 2026 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળી અને નૂતન વર્ષની રજાઓ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. બેસતા વર્ષથી ભાઈબીજ સુધીના સમયગાળામાં જુદા જુદા સ્થળોએ સર્જાયેલા પાંચ માર્ગ અકસ્માતોમાં પાંચ વ્યક્તિઓનાં કરુણ મોત નીપજતાં અનેક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ખાંભા ગીર, કેશોદ-માંગરોળ રોડ, ચાપરડા, તાલાળા અને માળીયાહાટીના પંથકમાં બનેલા પાંચ બનાવોમાં પોલીસે સંબંધિત વાહનચાલકો સામે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વિસાવદરમાં રહેતા વિજય વલકુભાઈ વાઘેલા અને તેનો સંબંધી ભાઈ રવિ બંને તેની મોટરસાયકલ નંબર જીજે ૧૧ એસડી ૬૪૨૫ પર ફરવા નીકળેલા હતા.ખાંભા ગીર પાસે બેફામ ઝડપે આવેલ મોટરસાયકલ નંબર જીજે ૧૧ સી એચ ૭૯૬૬ ના ચાલકે વિજયભાઈની મોટરસાયકલ સાથે અથડાવતા વિજયભાઈ અને રવિ બંને ફંગોળાયા હતા. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા ત્યાં વિજયભાઈનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. અકસ્માત અંગે મૃતકના પિતા વલકુભાઈ વાઘેલાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


નવા વર્ષે થયેલા અકસ્માતના અન્ય બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ માંગરોળ બંદર વિસ્તારમાં રહેતા નારણભાઈ મચ્છના કૌટુંબિક ભાઈ કેતનભાઇ હરજીભાઈ મરછ તા.૧૦ નવેમ્બરે બપોરે તેની મોટરસાયકલ પર માંગરોળ બંદરથી કેશોદ તરફ જતા હતા તે સમયે બેફામ ઝડપે આવેલી ઇકો એમ્બ્યુલન્સ નંબર જીજે૧૧૮૦૬૦ ના ચાલકે કેતનભાઇની મોટરસાયકલને ઠોકરે ચડાવતા કેતનભાઇને માથામાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત અંગે મૃતકના ભાઈ નારાયણભાઈએ કેશોદ પોલીસ સ્ટેશનમાં અજાણી ઇકો એમ્બ્યુલન્સ કારનાચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


અકસ્માતના ત્રીજા બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ વિસાવદર તાલુકાના ચાપરડા ગામે રહેતા નટવરલાલ પાનેલીયા (ઉ.વ.૫૫) તેની મોટરસાયકલ પર વાડીએ જતા હતા તે દરમ્યાન નાની-મોણપરી નજીક પૂરપાટ ઝડપે આવેલી કારે નટવરલાલ ભાઈની મોટરસાયકલને હડફેટે લેતા નટવરલાલભાઈનુ ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. કાર ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો. હિટ એન્ડ રનના બનાવ અંગે મૃતકના પુત્ર રોહિત પાનેલિયાએ અજાણ્યા કારચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. અકસ્માતે મોત થવાના ચોથા બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ લલિત નાથાભાઈ વિસાવડીયા અને તેની સાથે બે અન્ય ઈસમો રહીમ તૈયબ સુમરાની કારમાં બેસી જૂનાગઢથી તાલાળા તરફ જતા હતા. તે સમયે ભાટિયા ગામના પાટીયા પહેલા રોડ પર ઉભેલા ટ્રકની પાછળના ભાગે રહીમભાઈએ કાર અથડાવતા સર્જાયેલા અકસ્માતમાં લલિત ભાઈને માથામાં ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલે ખસડાયા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે મૃતકના પુત્ર નરેન્દ્રભાઈએ કારચાલક રહીમભાઈ સુમરા તથા અજાણ્યા ટ્રક ચાલક વિરોધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


અકસ્માતના પાંચમાં બનાવવામાં માળીયાહાટીનાના ઘુંઘટી ગામે બાઈક પાળી સાથે અથડાતા ચાલકનું મોત થયું હતું. તેમાં માળીયાહાટીનાના ઘુંઘટી ગામે રહેતા પારસ સોનીગભાઈ સિંધવ તેના મિત્ર અનિરુદ્ધ સાથે માળીયાહાટીના તેના બહેનના ઘરે ગયા હતા. બહેનને ત્યાં જમીને પરત ઘુંઘટી ગામે ઈ બાઈક પર મિત્ર સાથે આવી રહ્યા હતા, તે સમયે વોકરા પાસે આવેલા બંધાર(પાળી) સાથે બાઈક અથડાયું હતું. જેના કારણે પારસ ભાઈ અને અનિરુદ્ધભાઈના માથા પર પથ્થરો પડ્યા હતા. અનિરુદ્ધ ભાઈને સામાન્ય ઇજા થઈ હતી જ્યારે ઇ બાઈક ચાલક પારસભાઈને ગંભીર ઈજા થઈ હતી, તેઓને પ્રથમ કેશોદ ત્યારબાદ જૂનાગઢ ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અકસ્માત અંગે મૃતકના ભાઈ હરસુરભાઈ સિંધવે પોલીસમાં જાહેર કર્યું છે.ભાઈબીજની પૂર્વરાત્રીએ જ યુવકનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application