BREAKING NEWS

રાજકોટમાં પડોશીઓ વચ્ચે બઘડાટી: ધોકા, પાઈપ, ઈંટ, વજનીયા ઉડ્યા; પાંચને ઇજા

  • October 05, 2026 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના બાબરીયા કોલોની નજીક બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી જતા ધોકા, પાઇપ, ઈંટ અને વજનીયાથી સામસામે મારમારવામાં આવતા મહિલાઓ સહીત પાંચ વ્યક્તિને ઇજા થવાથી તમામને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે બંને પક્ષના સભ્યોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે સામસામી ફરિયાદના આધારે પાંચ મહિલા સહીત 12 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.

બાબરીયા કોલોની શેરી નં.-1 પાસે પરમેશ્વર સોસાયટી ઝૂંપડપટ્ટીમાં રહેતા પારસ રમેશભાઈ ડાભી (ઉ.વ.22)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં પડોશમાં રહેતા હરેશ પુંજા સમેશા, પુંજા લાલુ સમેશા, પારસ પુંજા સમેશા, રવિ ચંદુ સમેશા, કિશન પુંજા સમેશા, કેસરબેન પુંજા સમેશા, શોભનાબેન વિજય વાજેલીયાનું નામ આપ્યું છે, તા.૦૪ના રોજ રાત્રીના નવેક વાગ્યે મારા ઘર સામે આવેલ ઝાડ નીચે બેઠો હતો ત્યારે મારો મિત્ર ત્યાથી નિકળતા સામે બેઠેલા પડોશી હરેશ સમેસાએ મારા મિત્રને કહ્યું હતું કે, પારસને કે તને તને મુકી જાય, દરમિયાન હરેશની બહેન શોભનાએ હરેશને કહ્યું હતું કે, જે જતા હોય તેને જવા દે, કોઈનું નામ ન લે કહી મારા સામુ જોઈ ગાળો બોલવા લાગી હતી. આ દરમિયાન તેના માતા કેશરબેન અને પિતા પુંજાભાઈ પણ આવી ગયા હતા. આથી મેં તેને ગાળો ન બોલવાનું કહેતા હરેશએ ઉશ્કેરાઈ જઈ મારો કાઠલો પકડી ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો થતાં મારા માતા રેખાબેન, બહેન કાજલ ત્યા દોડી આવ્યા હતા અને મને ઘરે લઈ ગયા હતા.

થોડીવાર બાદ પુજાભાઈ , હરેશ, પારસ, રવી લોખંડનો પાઈપ અને ઈંટ લઈને મારા ઘર પાસે ધસી આવ્યા હતા. કિશન, કેશરબેન, શોભનાબેન પણ ત્યારે હાજર હતા. તેમણે મારા માતા અને બહેન સાથે મારામારી કરી હતી. પુંજાભાઈએ મારા વાળ પકડી રાખ્યા હતા અને હરેશે લોખંડના પાઈપથી મને ડાબા કાનના ભાગે ઘા માર્યો હતો. જયારે મારા માતા રેખાબેનને માથાના ભાગે પારસએ લોખંડનો પાઈપ મારી દીધો હતો. અને રવીએ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ વચ્ચે મારી બહેન છોડાવવા વચ્ચે પડતા તેને પણ રવીએ લોખંડનો પાઈપ મારી દીધો હતો. વચ્ચે પડેલા મારા ભાઈ અજયને પુંજાભાઈએ લોખંડનો પાઈપ મારી ધમકીઓ આપી નાશી ગયા હતા. મારામારીમાં ઘવાયેલા યુવાન અને તેની માતા-બહેન લોહીલુહાણ હોય ત્રણેયને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે સામાપક્ષે વળતી ફરીયાદ નોંધાવતા શોભનાબેન વિજયભાઈ વાજેલીયા (ઉ.વ.૩૨)એ પોલીસમાં પારસ રમેશભાઈ ડાભી, તેનો ભાઈ અજય ડાભી, તેની બહેનો રેખા, આરતી અને કાજલનું નામ આપી જણાવ્યું હતું કે, હું અને મારો પરીવાર ઘર બહાર બેઠો હતો. ત્યારે ભાઈનો મિત્ર ત્યાંથી પસાર થતાં તેને કહ્યું હતું કે, પારસને કે તને મૂકી જાય. આ બાબતે બોલાચાલી કરી ઝગડો કર્યો હતો અને ભંગારની રેકડીમાંથી લોખંડનો વજન કાટો લઇ મારા ભાઈ હરેશના માથામાં મારતા લોહી નીકળવા લાગતા પારસ ત્યાંથી નાસી ગયો હતો. આથી અમે પારસના ઘરે વાતચીત કરવા જતાં તેના પરિવારજનો અમારી સાથે મારામારી કરવા લાગ્યા હતા. પારસની બહેન રેખા, કાજલ અને આરતીએ મને ઢીકાપાટુનો માર માર્યો હતો. મારી માતા મને બચાવવા આવતા મારી માતા સાથે પણ ઝપાઝપી કરતા તેમને જમણા હાથમા મુંઢ ઈજા થયેલ હતી. અજયએ મારા પિતા પુંજાભાઈને લોખંડનો પાઈપ માથાના ભાગે મારતા લોહી નીકળવા લાગેલ હતું. જેથી સામાવાળા તમામ નાસી જતાં પિતા અને ભાઈને સારવાર અર્થે ખસેડ્યા હતા. બંને પક્ષની ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News