ઓગસ્ટ મહિનો પૂરો થઈ ગયો છે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. નવો મહિનો માત્ર કેલેન્ડર જ નહીં બદલે, પરંતુ સામાન્ય લોકોના રોજિંદા જીવન સાથે જોડાયેલા અનેક મહત્વના ફેરફારો પણ લઈને આવ્યો છે. રસોડાના ગેસથી લઈને કાર ખરીદી, દૂધના ભાવ, બેંકિંગ અને વિદેશ પ્રવાસ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થયા છે. કેટલાક ફેરફારો રાહત આપનારા છે, તો કેટલાક લોકોના ખિસ્સા પર વધારાનો બોજ નાખી શકે છે.
દર મહિનાની શરૂઆત સાથે કેટલાક નવા નિયમો લાગુ પડતા હોય છે. આ વખતે પણ 1 સપ્ટેમ્બર, 2026થી દેશમાં અનેક મોટા ફેરફારો અમલી બન્યા છે, જે તમારી રસોઈથી લઈને કારના પ્રવાસ સુધીની તમામ બાબતો પર સીધી અસર પાડશે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 સપ્ટેમ્બરની સવારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરી દીધા છે. ઉપરાંત, સીએનજી અને પીએનજીના દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેની અસર ઓટો અને ટેક્સી ભાડાં પર પણ જોવા મળી રહી છે. આ સિવાય દૂધના ભાવ અને વિદેશ યાત્રા સંબંધિત નિયમોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે મોટી રાહત
1 સપ્ટેમ્બરથી ભારતથી વિદેશ જતા મુસાફરો માટે એરપોર્ટ પર ઈમિગ્રેશન પ્રક્રિયા સરળ બનશે. હવે આંતરરાષ્ટ્રીય મુસાફરોએ ઈમિગ્રેશન ક્લિયરન્સ દરમિયાન બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ કરાવવાની જરૂર નહીં પડે. નવી વ્યવસ્થા હેઠળ મુસાફરો પોતાના ફોનમાં ઈલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ અથવા તેની પ્રિન્ટેડ કોપી બતાવી શકશે. ઈમિગ્રેશન અધિકારી હવે બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ નહીં લગાવે. આથી વિદેશ જતી વખતે પ્રસ્થાન પ્રક્રિયામાં એક વધારાનું પગલું દૂર થશે.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ 9.50 રૂપિયાનો વધારો
સપ્ટેમ્બરના પહેલા દિવસે, ફુગાવાએ રસોડાના બજેટને પણ અસર કરી છે અને પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ ભાવ વધારો મુંબઈમાં પણ કરવામાં આવ્યો છે, જ્યાં પીએનજી ના ભાવમાં પ્રતિ એસસીએમ 1 રૂપિયાનો વધારો થયો છે. 1 સપ્ટેમ્બર, 2026 થી પ્રતિ એસસીએમ 53 રૂપિયાનો નવો ભાવ લાગુ કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ તણાવને કારણે, આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડાયેલા ગેસના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેની સીધી અસર તેમના ખર્ચ પર પડી છે. બીજી તરફ, જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ 9.50 રૂપિયાનો વધારો કર્યો છે.
કાર ખરીદવી મોંઘી પડશે
સપ્ટેમ્બરમાં નવી કાર ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો તમારા બજેટ પર અસર થઈ શકે છે. 1 સપ્ટેમ્બર 2026થી ટાટા મોટર્સ અને હ્યુન્ડાઈની કેટલીક કારો મોંઘી થવાની જાહેરાત કરવામાં આવી છે. ટાટા મોટર્સે પોતાના કાર અને એસયુવીના વિવિધ વેરિઅન્ટની કિંમતોમાં રૂ.25,000 સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. હ્યુન્ડાઈએ પણ કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
આઈટીઆરની ડેડલાઈન પૂરી
બિઝનેસ અથવા પ્રોફેશનલ આવક ધરાવતા અને ઓડિટ જરૂરી ન હોય તેવા કરદાતાઓ માટે એવાય 2026-27નું આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ 2026 હતી. સામાન્ય કરદાતાઓ માટે આ સમયમર્યાદા 31 જુલાઈ હતી. જો કોઈ કરદાતા હજુ સુધી આઈટીઆર ફાઈલ કરી શક્યા નથી, તો તેઓ 31 ડિસેમ્બર 2026 સુધી બિલેટેડ રિટર્ન ફાઈલ કરી શકે છે અથવા એસેસમેન્ટ પૂર્ણ થાય તે પહેલાં, જે વહેલું હોય ત્યાં સુધી રિટર્ન ફાઈલ કરી શકાય છે. મોડું રિટર્ન ફાઈલ કરવા માટે આવક રૂ. 5 લાખ સુધી હોય તો રૂ. 1,000 અને અન્ય કિસ્સામાં રૂ.5,000 સુધીની લેટ ફી ચૂકવવી પડી શકે છે.
એલપીજી ઈ-કેવાયસી ન કરાવનારને મોંઘો પડશે સિલિન્ડર
સરકારી ઓઇલ કંપનીઓએ એલપીજી ઈ-કેવાયસી પૂર્ણ કરવા માટે 31 ઓગસ્ટ, 2026ની અંતિમ તારીખ નક્કી કરી હતી. આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ દ્વારા ઈ-કેવાયસીની ડેડલાઈન 23 ઓગસ્ટથી વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી હતી. જો તમે આ સમયમર્યાદામાં ઈ-કેવાયસીકરાવ્યું નથી, તો 1 સપ્ટેમ્બરથી તમારે મોંઘો એલપીજી સિલિન્ડર ખરીદવો પડી શકે છે અને નવો સિલિન્ડર મેળવવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.