દિવાળી અને નૂતન વર્ષના તહેવારોમાં આતિથ્ય સત્કાર માટે તેમજ ગિફ્ટિંગ માટે હાલ બજારમાં ડ્રાયફ્રૂટ્સની ધૂમ ખરીદી થઇ રહી ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા શહેરની મુખ્ય એવી પરાબજાર કે જ્યાં ડ્રાયફ્રુટ્સના સૌથી વધુ હોલસેલર્સ કાર્યરત છે ત્યાં આગળ દરોડા કાર્યવાહી હાથ ધરીને નકલી, વાસી, પડતર અને એક્સપાયરી ડેઇટ વિતાવી ચૂકેલા અખાદ્ય ડ્રાયફ્રૂટ્સ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ પેઢીઓમાં લુઝ જથ્થા તેમજ પેકેટના સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, પરા બજારમાં રઘુવીર પરા શેરી નં.રમાં બેન્ક ઓફ ઈન્ડિયા સામે આવેલા સાગર ફ્રુટ્સમાંથી કાજુ ફાડા અને કાળી દ્રાક્ષના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે પરા બજાર મેઈન રોડ ઉપર આવેલી ભગવતી ઇન્ટરનેશનલમાંથી રોસ્ટેડ પેપર કેસ્યુ લુઝ અને કિસમિસ લુઝના નમૂના લેવામાં આવ્યા હતા. ઉપલા કાંઠે પેડક રોડ ઉપર ચંપકનગર-૩માં આવેલ એપેક્સ ટ્રેડર્સમાંથી લુઝ અંજીર, જશ ડ્રાય ફ્રૂટ્સ આલમંડ ( ૫૦૦ ગ્રામ પેકિંગ)ના નમૂના લેવામાં આવ્યા હતા.
કુવાડવા રોડને લાગુ મારૂતિનગર વિસ્તારના ૫૦ ફૂટ મેઈન રોડ ઉપર આવેલા પટેલ ચોક સ્થિત પેઢી રઘુવીર ટ્રેડીંગમાંથી રઘુવીર ડ્રાય ફ્રૂટ્સ મુખવાસ (૨૫૦ ગ્રામ પેકિંગ)નો નમૂના લેવામાં આવ્યો હતો તેમજ આ વિસ્તારની ગોકુલ એજન્સીમાંથી બંસી પપૈયાં મુરબ્બા (ટૂટી ફૂટી) (૪૦૦ ગ્રામ પેકિંગ)નો નમૂના લેવામાં આવ્યો હતો.
સરદાર નગર મેઈન રોડ ઉપર જન કલ્યાણ એપાર્ટમેન્ટમાં આવેલી શોપ નંબર બી-૧ અને ૨માં કાર્યરત પેઢી હિરાર્થ નમકીન એન્ડ ડ્રાયફ્રુટમાંથી મિક્સ ડ્રાયફ્રુટ બોલ લુઝ મીઠાઇ અને લુઝ કુકીઝના નમૂના લેવામાં લેવામાં આવ્યા હતા.
કોટેચા નગર મેઈન રોડ ઉપર કોટેચા સ્કૂલ સામેના સ્પાર્કલ બિલ્ડિંગમાં આવેલ શ્રીરામ શીંગ એન્ડ નમકીનમાંથી ફૂડ સ્ટુડિયો કાળી દ્રાક્ષ ૨૫૦ ગ્રામ પેકિંગ અને બુલિયન ઠંડા મીઠા ગુલકંદ ૨૦૦ ગ્રામ પેકિંગના નમૂના લેવામાં આવ્યા હતા.