BREAKING NEWS

ઈ-ચલણ અને ગુનાખોરી પર સર્જિકલ સ્ટ્રાઈક: રાજ્યમાં પ્રથમ વખત રાજકોટમાં નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ નહીં

  • August 18, 2026 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરમાં ગુનાખોરી પર લગામ કસવા અને ટ્રાફિક નિમયની અવગણના કરનાર સામે કાર્યવાહીના ભાગરૂપે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં નંબર પ્લેટ વગર વાહન ચલાવનાર વાહનચાલકોને હવે પેટ્રોલ પંપ પરથી ઇંધણ ભરી આપવામાં આવશે. જે માટે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડયું છે. આ જાહેરનામાની કડક અમલવારી પર શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રકારનો નિમય બનાવનાર રાજકોટ રાજયમાં પ્રથમ શહેર બન્યું છે હાલમાં પ્રાયોગિક ધોરણે ૬૦ દિવસ સુધી આ અમલવારી કરાશે ત્યારબાદ અભ્યાસ કરી જાહેરનાનુ અમલી રાખવુ કે કેમ? તે અંગે નિર્ણય લેવાશે.

શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા બહાર પડવામાં આવેલા જાહેરનામા મુજબ શહેર પોલીસ કમિશનરેટના વિસ્તારમાં આવતા તમામ પેટ્રોલ પંપ, ડીઝલ ડિસ્પેન્સિંગ સ્ટેશન અને સીએનજી સ્ટેશનો પર હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) અથવા કાયદેસરની સ્પષ્ટ દેખાતી નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પોલીસના ધ્યાનમાં આવ્યું છે કે, સંખ્યાબંધ વાહન માલિકો અને ચાલકો પોતાના વાહનોની રજીસ્ટ્રેશન નંબર પ્લેટ જાણીજોઈને કાઢી નાખે છે, વાળી દે છે, ઢાંકી દે છે અથવા તેમાં છેડછાડ કરે છે. આવું કરવા પાછળનો મુખ્ય હેતુ સીસીટીવી આધારિત ઈ-ચલણ ટ્રાફિક એન્ફોર્સમેન્ટ સિસ્ટમથી બચવાનો છે.

નંબર પ્લેટ વગરના આવા વાહનોના કારણે ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થાય છે અને બેફામ ડ્રાઇવિંગને પ્રોત્સાહન મળે છે. વધુમાં, ઓળખ વગરના આ વાહનો જાહેર વ્યવસ્થા, સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું કરે છે. આવા વાહનોનો ઉપયોગ હિટ એન્ડ રન અકસ્માતો, ચેઈન સ્નેચિંગ, લૂંટ અને ધાડ જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં થવાની સંભાવના રહે છે. નંબર પ્લેટ ન હોવાને કારણે ગુનેગારોને શોધી કાઢવામાં કાયદો અમલીકરણ એજન્સીઓને ભારે મુશ્કેલી પડે છે. આ જાહેરનામું તા. ૧૭/૦૮/૨૦૨૬ના થી તા.૧૬/૧૦/૨૦૨૬ના સુધી (કુલ ૬૦ દિવસ) માટે અમલમાં રહેશે.


પંપ પર નંબર પ્લેટ- ચાલકનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય તે રીતે કેમેરા ગોઠવવા

વાહનોની નંબર પ્લેટ કાઢી નાખેલી, વાળેલી, તૂટેલી, ઢાંકેલી કે ઘસારાને કારણે અસ્પષ્ટ હોય તેના પર પણ આ નિયમ લાગુ પડશે. આ ઉપરાંત કાદવ-કીચડથી ખરડાયેલી પ્લેટ અથવા જેમાં અક્ષર, રંગ કે બનાવટમાં ફેરફાર કરાયો હોય તેવા વાહનોને પણ ઈંધણ નહીં મળે. આ નિયમમાં ખાસ અસ્થાયી (ટેમ્પરરી) રજીસ્ટ્રેશન નંબર ધરાવતા વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટીની સેવાઓ સાથે જોડાયેલા વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટ ૨૦૨૩ની જોગવાઈ મુજબ તમામ પેટ્રોલ પંપ અને સીએનજી સ્ટેશનના સંચાલકોએ સીસીટીવી પ્રણાલી સંપૂર્ણપણે કાર્યરત રાખવી પડશે. પંપના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર તમામ વાહનોની આગળ-પાછળની નંબર પ્લેટ તેમજ ચાલકનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય તે રીતે એએનપીઆર કેમેરા ગોઠવવાના રહેશે. આ સીસીટીવી ફૂટેજ ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સાચવી રાખવાના રહેશે અને પોલીસ દ્વારા માંગણી કર્યેથી તાત્કાલિક પૂરા પાડવાના રહેશે.


નિયમનો ભંગ કરનાર પેટ્રોલ પંપ સંચાલક સામે કાર્યવાહી કરાશે

નંબર પ્લેટ ન હોવાના કારણે પેટ્રોલ પંપના કર્મચારીઓ ઈંધણ આપવાનો ઈનકાર કરે, ત્યારે જો કોઈ વાહન ચાલક રકઝક કરે, ધાકધમકી આપે, બળનો ઉપયોગ કરે કે અવ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરે તો પંપ સંચાલકોએ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે અથવા ત્વરિત મદદ માટે ૧૧૨ (112) નંબર ડાયલ કરવાનો રહેશે. આ જાહેરનામાની જોગવાઈઓનો ભંગ કે અવજ્ઞા કરનાર વાહન માલિક, વાહન ચાલક કે પેટ્રોલ પંપના માલિક/સંચાલક/કર્મચારી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની ફરિયાદ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application