BREAKING NEWS

વિદેશમાં કડક નિયમ, ભારતમાં મનમાની: ચિપ્સ-કોલ્ડ ડ્રિંક્સ પર લાલ નિશાનથી કેમ ડરી રહી છે મલ્ટીનેશનલ કંપનીઓ?

  • August 26, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિદેશમાં કડક આરોગ્ય નિયમોનું પાલન કરતી વિશ્વની અગ્રણી ફૂડ અને બેવરેજ કંપનીઓ ભારતમાં પેકેટબંદ ખાદ્યપદાર્થો પર હેલ્થ વોર્નિંગ (આરોગ્ય ચેતવણી) લેબલ લગાવવાનો સતત વિરોધ કરી રહી છે. એક જ બ્રાન્ડ હોવા છતાં વિદેશોની સરખામણીએ ભારતમાં વધુ ખાંડ, ચરબી અને પ્રોસેસ્ડ સામગ્રી ધરાવતા ઉત્પાદનો વેચવામાં આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, લંડનમાં વેચાતી ફેન્ટાની કેનમાં 63 કેલરી હોય છે, જ્યારે ભારતમાં વેચાતી એ જ બ્રાન્ડની ફેન્ટામાં તેના કરતાં ત્રણ ગણી વધુ ખાંડ હોય છે. યુરોપમાં જો કોઈ પીણામાં કૃત્રિમ રંગ હોય, તો પેકેટ પર મોટી ચેતવણી લખવી પડે છે, જ્યારે ભારતમાં તે ખૂબ જ નાના અક્ષરોમાં છાપવામાં આવે છે.


ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, કોકા-કોલા અને નેસ્લે જેવી દિગ્ગજ કંપનીઓ ભારતમાં પેકેટના આગળના ભાગે ચિહ્નિત ચેતવણી લેબલ લગાડવાની નીતિનો વિરોધ કરી રહી છે. ઓગસ્ટ મહિનામાં ભારતીય ખાદ્ય સુરક્ષા નિયામક (FSSAI) એ પેકેટ પર લાલ કે લીલા રંગની સ્પષ્ટ ચેતવણી આપવાનો વિચાર પડતો મૂક્યો હતો. નિયામકે એવું બહાનું રજૂ કર્યું હતું કે ભારતીય ખોરાકનો સ્વાદ પશ્ચિમી ખોરાકથી અલગ હોય છે. તેની જગ્યાએ ખાંડ, ફેટ અને મીઠાનું પ્રમાણ દર્શાવતી સામાન્ય બ્લેક-એન્ડ-વ્હાઇટ ટેબલ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે આ જ કંપનીઓ યુરોપના 24 થી વધુ દેશોમાં ટ્રાફિક-લાઇટ જેવા સ્પષ્ટ લેબલનો સહર્ષ ઉપયોગ કરે છે.


માર્ચ મહિનામાં FSSAI ના અધિકારીઓ સાથેની બેઠકમાં ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓએ દલીલ કરી હતી કે પેકેટ પર લાલ નિશાન લગાવવાથી ગ્રાહકો ભ્રમિત થશે અને ભારતનો 80 ટકાથી વધુ પેકેજ્ડ ખોરાક 'અનહેલ્ધી' અથવા ખતરનાક શ્રેણીમાં આવી જશે. કંપનીઓના આ ભારે દબાણ બાદ જ નિયામકે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. જોકે, હવે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. હેલ્થ એક્ટિવિસ્ટ્સની અરજી બાદ સુપ્રીમ કોર્ટે FSSAI ના નિર્ણય સામે સખત સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ભારત પોતાના નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર છે તે સંદેશ વૈશ્વિક સ્તરે જવો જોઈએ. એક અભ્યાસ અનુસાર, 2050 સુધીમાં 45 કરોડ ભારતીયો સ્થૂળતા (ઓબેસિટી) નો ભોગ બની શકે છે.


​​​​​​​સોશિયલ મીડિયા પર પણ 'ફૂડ ફાર્મર' જેવા ઇન્ફ્લુએન્સર્સ દ્વારા આ કંપનીઓના ડબલ સ્ટાન્ડર્ડ સામે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ભારતમાં મેગી પામ ઓઇલથી બને છે, જ્યારે યુકેમાં સૂર્યમુખીના તેલનો ઉપયોગ થાય છે. જાહેર દબાણ વધતાં કંપનીઓને કેટલાક નાના ફેરફારો કરવા પડ્યા છે, જેમ કે નેસ્લેએ 2024 માં ભારતમાં સુગર-ફ્રી સેરેલેક લોન્ચ કરવું પડ્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે જો ભારતમાં પ્રોસેસ્ડ ફૂડ પર લાલ નિશાન જેવા કડક નિયમો લાગુ થશે, તો ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News