સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને વર્ષ 2011 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી કે. રાજેશ સામે રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી તેમને સેવામાંથી દૂર કર્યા હોવાનું સામે આવ્યું છે. આંધ્રપ્રદેશના વતની કે. રાજેશ સામે ભ્રષ્ટાચાર, સરકારી જમીનના દસ્તાવેજોમાં ગેરરીતિ તેમજ આર્મ્સ લાયસન્સ મંજૂરીમાં લાંચ લેવાના ગંભીર આક્ષેપો થયા હતા. સરકારની કાર્યવાહીનો આ મામલો વહીવટી તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.
કે. રાજેશ સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન સરકારી જમીન સંબંધિત દસ્તાવેજોમાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. આ ઉપરાંત વચેટિયાઓ મારફતે લાંચ લેવાના અને જરૂરી પોલીસ વેરિફિકેશન વિના બંદૂકના લાયસન્સ મંજૂર કરવાના આરોપો પણ મૂકાયા હતા.
ખાસ કરીને આર્મ્સ લાયસન્સની મંજૂરી માટે પાંચ લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાનો આરોપ તપાસ દરમિયાન સામે આવ્યો હતો. આ રકમમાંથી ચાર લાખ રૂપિયા રોકડમાં અને એક લાખ રૂપિયા ચેક મારફતે લેવાની વ્યવસ્થા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ મામલે મે 2022માં સીબીઆઈ દ્વારા કે. રાજેશ સાથે સંકળાયેલા ગાંધીનગર, સુરત અને સુરેન્દ્રનગર સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓગસ્ટ 2022માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પણ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
તમામ કેસ સામે આવ્યા બાદ રાજ્ય સરકારે કે. રાજેશને સસ્પેન્ડ કર્યા હતા અને સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા પુરાવા અને કેસની કાર્યવાહી બાદ હવે સરકારે તેમની સામે વધુ કડક પગલું ભરી સેવામાંથી દૂર કર્યા હોવાનું જણાવાય છે.
કે. રાજેશ સામેની આ કાર્યવાહીથી વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર સામે સરકારના કડક વલણનો સંદેશ ગયો છે. ખાસ કરીને કલેક્ટર જેવી મહત્વની જવાબદારી દરમિયાન થયેલી કથિત ગેરરીતિઓને લઈને આ કેસને ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે.