રાજકોટ AIIMSમાં રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા એક ગંભીર ઘટનાના વિરોધમાં હડતાળ શરૂ કરવામાં આવી હતી. AIIMSના નર્સિંગ ઓફિસર લલિત સામે લેડી ડોક્ટર સાથે છેડતી કરવાના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે, જેના પગલે સમગ્ર કેમ્પસમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગઈકાલે રાત્રે બનેલી આ ઘટનાના વિરોધમાં આશરે 50થી 60 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો ઇમરજન્સી અને ટ્રોમા સેન્ટર પાસે એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આક્ષેપિત કર્મચારી સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી રેસિડેન્ટ ડોક્ટરોની મુખ્ય માંગ છે.
આ મામલે રેસિડેન્સી ડોક્ટર્સ એસોસિએશને ડેપ્યુટી ડાયરેક્ટર અંકુર પ્રતાપસિંહ સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. આ ઉપરાંત, AIIMSના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને પણ આ સમગ્ર પ્રકરણ અંગે સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે.
વિરોધ કરી રહેલા ડોક્ટરોને મળેલા પ્રતિસાદ મુજબ, ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે યોગ્ય અને ત્વરિત કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. આ અચાનક હડતાળને કારણે હોસ્પિટલની કામગીરી અને તંત્ર સામે પણ સવાલો ઉભા થયા છે.