રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આવેલા દહિસરડા આજી ગામે શનિવાર, ૫ સપ્ટેમ્બરના રોજ એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દરરોજ સાથે ભણતા, રમતા અને એક જ શેરીમાં રહેતા બાળમિત્રો કાળનો કોળિયો બનતા સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. જન્માષ્ટમીના તહેવારની રજાઓ માણવા મામાના ઘરે આવેલા ભાણેજ સહિત ચાર બાળકો ગામના હનુમાન મંદિર પાછળ આવેલા ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા, જ્યાં ડૂબી જવાથી ચારેય માસૂમોના મોત નિપજ્યા છે.
ઘટનાની વિગત મુજબ, દહિસરડા ગામમાં પાટવાળા હનુમાન મંદિર પાસે આવેલ ચેકડેમમાં બપોરે ૩ થી ૪ વાગ્યાના સુમારે ચારેય બાળકો ન્હાવા માટે ગયા હતા. એક જ શેરીમાં રહેતા અને સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા ૩ સ્થાનિક મિત્રો – ધ્યેય જમાસણા, દીપ રાજાપરા, વાસુ સવસાણી અને જામનગરના ધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામેથી પોતાના મામાના ઘરે આવેલો ૧૨ વર્ષીય ભાણેજ વંશિત વિજયભાઈ ખંભાયતા ન્હાતી વખતે અકસ્માતે એક પછી એક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.
બાળકો મોડે સુધી ઘરે ન પહોંચતા પરિવારોએ શોધખોળ હાથ ધરી હતી. ચેકડેમ કિનારેથી બાળકોના કપડાં અને ચપ્પલ મળી આવતા જ ગ્રામજનોને અનિષ્ટની આશંકા ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પાણીમાં ઉતરીને તપાસ કરતા પ્રાથમિક તબક્કે બે બાળકના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ ઘટના અંગે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને બાકીના બે બાળકો માટે વ્યાપક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.
ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ ત્રીજો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને આશરે ૮ કલાકની ભારે મશક્કત બાદ મોડી રાત્રે ૧૧:૩૦ વાગ્યા આસપાસ ચોથો મૃતદેહ પણ પાણીમાંથી શોધી કાઢ્યો હતો. પોલીસે તમામ બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે રમતા બાળકોના અચાનક નિધનથી નાના એવા દહિસરડા ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
આ કરુણ દુર્ઘટના બાદ દહિસરડા ગામમાં એક સાથે ત્રણ બાળમિત્રોની અંતિમયાત્રા નીકળતા વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું અને સ્મશાનયાત્રામાં આખું ગામ જોડાયું હતું. જ્યારે મામાના ઘરે ફરવા આવેલા ૧૨ વર્ષીય વંશિત ખંભાયતાના અંતિમ સંસ્કાર તેના વતન ધ્રાંગડા (તા. ધ્રોલ) ખાતે કરવામાં આવશે. ગ્રામજનો અને સ્થાનિકોએ આ અસહ્ય દુઃખની ઘડીમાં મૃતક બાળકોના આત્માની શાંતિ અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.