ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા હેઠળ આવેલી જાણીતી ઔદ્યોગિક વસાહત છત્રાલ GIDCમાં આજે એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. છત્રાલ જીઆઈડીસીમાં આવેલી 'કોવિકા ડાઈઝ' નામની કેમિકલ ઉત્પાદક કંપનીમાં બોઈલરનું પ્રેશર અચાનક વધી જતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ ભયાનક અકસ્માતમાં પ્લાન્ટ પાસે જ કામ કરી રહેલા ચાર પરપ્રાંતીય મજૂરો ફેક્ટરીની દીવાલો અને પ્લાન્ટની કઠોર રચનાઓ સાથે અથડાઈને દૂર ફંગોળાઈ ગયા હતા, જેના કારણે ઘટનાસ્થળે જ તેમના નીપજ્યા છે. આ અચાનક થયેલા ધડાકાથી સમગ્ર ફેક્ટરી અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.
બોઈલરની વેસલમાં ક્ષમતા કરતા પ્રેશર વધી જતાં દુર્ઘટના
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, રોજિંદી ક્રિયા મુજબ ફેક્ટરીમાં શ્રમિકો પોતપોતાની કામગીરીમાં વ્યસ્ત હતા. તે દરમિયાન કેમિકલ પ્લાન્ટની રિડક્શન વેસલ/બોઈલરની નોઝલમાં અચાનક પ્રેશરનું પ્રમાણ ક્ષમતા કરતાં ઘણું વધી ગયું હતું. પ્રેશર સંપૂર્ણપણે અનિયંત્રિત થઈ જતાં વેસલમાં અચાનક મોટો બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ એટલો બધો શક્તિશાળી હતો કે બોઈલર નજીક જ કામ કરી રહેલા ચાર શ્રમિકો હવામાં ફંગોળાઈને ફેક્ટરીના સાધનો સાથે અથડાયા હતા. શરીરે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ચારેય શ્રમિકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
પોલીસ, ફાયર બ્રિગેડ અને FSLની ટીમો ઘટનાસ્થળે
ઘટના અંગેની જાણ થતાં જ કલોલ તાલુકા પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો તેમજ સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક પ્રાંત અધિકારી, મામલતદાર અને એફએસએલ (FSL) ની ટીમોએ સ્થળ પર પહોંચીને જરૂરી પુરાવા એકત્ર કર્યા છે અને અકસ્માતના ચોક્કસ મૂળ કારણો જાણવા ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસ અને સુરક્ષા પાસાંઓની ચકાસણી
આ કરુણ દુર્ઘટના અંગે માહિતી આપતાં કલોલ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. ગઢવીએ જણાવ્યું હતું કે, "છત્રાલ GIDC ની 'કોવિકા ડાઈઝ' કંપનીમાં કેમિકલ પ્લાન્ટની રિડક્શન વેસલમાં યાંત્રિક ખામી સર્જાવાને કારણે આ અકસ્માત થયો છે, જેમાં ચાર કર્મચારીઓના મૃત્યુ થયા છે. પ્રાથમિક તપાસમાં બોઈલરની વેસલમાં ઓવર પ્રેશર થવાથી દુર્ઘટના બની હોવાનું જણાય છે, પરંતુ ચોક્કસ કારણ FSL રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કંપની પાસે જરૂરી ફાયર એન.ઓ.સી. (NOC) તથા અન્ય કાયદાકીય મંજૂરીઓ ઉપલબ્ધ હોવાની પ્રાથમિક માહિતી મળી છે, તેમ છતાં પણ ફેક્ટરીના સુરક્ષા સંબંધિત તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
દુર્ઘટનામાં જાન ગુમાવનાર મૃતક શ્રમિકો
વિનોદકુમાર સિંદ
ટેડા દેહારી
લભણ મીણા
સિંકંદર દેહરી