પોરબંદર એરપોર્ટ નજીક બે બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં ચાર યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ત્રણ યુવકોએ ઘટનાસ્થળે જ અને એકે સારવારમાં દમ તોડી દીધો હતો. જુવાનજોધ દીકરાઓના મોતથી ખારવા અને વાલ્મિકિ સમાજમાં ભારે શોક છવાઈ ગયો છે. પોસ્ટમોર્ટમ રૂમ પાસે પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. રોંગસાઇડમાં આવતા બાઇકને લીધે અકસ્માત થયાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ સૂત્રોએ ઘટનાસ્થળે જઇને સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી જેમાં એવુ જાણવા મળ્યું છે કે બેમાંથી એક મોટરસાયકલ રોંગ સાઇડમાં આવતું હતું તેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તેથી પોલીસે એ મુદે પણ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ, પોરબંદરના એરપોર્ટ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા પોરબંદરના ત્રણ યુવાનોના કરૂણ મોત થયા છે, ત્યારે પરિવાર ઉપર વજ્રઘાત થયો હતો. પોરબંદરના નવા એરપોર્ટની દીવાલ પૂર્ણ થાય છે ત્યાં ગાયત્રી હાઇટસ એપાર્ટમેન્ટ સામે સવારે પાંચ વાગ્યા બનેલા ગમખ્વાર અકસ્માતની વિગત એવી છે કે સ્પ્લેન્ડર મોટરસાયકલ અને રોયલ એન્ફીલ્ડ ૩૫૦ સી.સી. બુલેટ બાઇક વચ્ચે જોરદાર ટકકર થઇ હતી અને અકસ્માતના આ બનાવમાં એકમાં ત્રીપલ સવારીમાં અને બીજામાં ડબલ સવારીમાં બેસેલા યુવાનો ફંગોળાઇ ગયા હતા
જેમાં સોનીબજારમાં રહેતા ૨૬ વર્ષના મિલન નારણભાઇ બાદરશાહી, બોખીરાની આવાસ યોજનામાં રહેતા ૧૮ વર્ષના દીપેશ નીતિનભાઇ ઢાકેચા તથા નગીનદાસ મોદી પ્લોટમાં રહેતા ૧૭ વર્ષના વનરાજ મનીષભાઇ ઝાલાને શરીરે ગંભીર ઇજા થવાથી ત્રણે ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતા નેશનલ હાઇવે ઓથોરીટીની એમ્બ્યુલન્સ ઉપરાંત પોરબંદર ઇમરજન્સી સેવા ૧૦૮ની એમ્બ્યુલન્સ તાત્કાલિક ત્યાં દોડી ગઇ હતી અને ગંભીર રીતે ઘવાયેલા ખારવાવાડના પંચહાટડીમાં રહેતા પીયુષ કિશોર લોઢારી ઉ.વ. ૨૮ તથા વીરડીપ્લોટના પ્રતીક નિલેષભાઇ જેઠવા ઉ.વ. ૧૮ને ઇજાઓ થતા પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જ્યાં પિયુષનું પણ મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

અત્યતં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પીયુષ લોઢારીને વધુ સારવાર માટે બહાર લઇ જવાનું કહેવામાં આવતા તેને લઇને એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે અન્ય શહેરમાં લઇ જવામાં આવ્યો છે. યારે ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા પ્રતીક જેઠવાને સામાન્ય ઇજાઓ હોવાનું જાણવા મળ્યુ છે. અને પોલીસ દ્રારા તેની પૂછપરછના આધારે આગળની કાર્યવાહી થશે.
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ત્રણ–ત્રણ યુવાનોના મૃતદેહો લવાયા હોવાથી મોટી સંખ્યામાં ખારવા સમાજ અને વાલ્મીકિ સમાજના આગેવાનો એકત્ર થઇ ગયા હતા. મૃતકના પરિવારજનોના હૈયાફાટ રૂદનથી સમગ્ર હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયુ હતુ અને તેમના પરિવારજનોને સાંત્વના આપવા માટે પણ લોકો દોડી ગયા હતા. અકસ્માતના આ ગંભીર બનાવમાં પોલીસ દ્રારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને ગુન્હો નોંધવાની તજવીજ થશે તેમ જાણવા મળે છે.
રાણાવાવ ખાતે ધાર્મિક કાર્યક્રમમાંથી પરત આવતા હતા ત્યારે બન્યો બનાવ
વાલ્મિકી સમાજના યુવાનોના અપમૃત્યુની જાણ થતા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને તેઓએ એવી માહિતી આપી હતી કે મૃત્યુ પામેલા વાલ્મીકિ સમાજના યુવાનો રાણાવાવ ખાતે માતાજીના ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત બેઠક સહિત આયોજનો થયા હોવાથી તેઓ ત્યાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને વહેલી સવારે રાણાવાવથી તેઓ પોરબંદર આવતા હતા ત્યારે આ બનાવ બન્યો છે.
મીટરકાંટો પણ બહાર નીકળી ગયો !
પોરબંદર નજીક એરપોર્ટ સામે સર્જાયેલા અકસ્માતમાં મોટરસાયકલનો મીટરકાંટો પણ બહાર નીકળી ગયો હતો અને ડીવાઇડર ઉપર જોવા મળ્યો હતો. બુલેટ રોયલ એન્ફીલ્ડ ૩૫૦ સી.સી.નો કચ્ચરઘાણ નીકળી ગયો હોવાનું સામે આવ્યુ છે