BREAKING NEWS

ગોંડલના કુખ્યાત ભૂમાફિયા બીટ્ટુ જાડેજા સામે ચોથો ગુનો નોંધાયો, પ્રૌઢને માર મારી સાટાખત કરાવી લીધું

  • March 25, 2026 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલના કુખ્યાત ભૂમાફિયા બીટ્ટુ જાડેજા સામે મિલકત પચાવવા માટે ધાક ધમકી આપ્યાનો ચોથો ગુનો નોંધાયો છે. ખડવંથલીના પ્રૌઢને ખુલ્લા પ્લોટમાં મોબાઈલ ટાવર ઉભો કરવાં જગ્યા ભાડે લઈ છ વર્ષથી કોઈ ભાડું ન ચૂકવી સબ રજિસ્ટ્રાર ઓફિસમાં મારમારી સાટાખત પણ કરાવી લેતાં ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.


ગોંડલના ખડવંથલી ગામે રહેતાં ધનજીભાઈ સ્વજીભાઇ ભુંડીયા (ઉ.વ.૫૭) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગોંડલના કુખ્યાત ભર્ગરાજસિંહ ઉર્ફે બિટ્ટુ જાડેજાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને ગામમાં ખેતીની ૧૫ વિઘા જમીન આવેલી છે.


ખંડવંથલી ગામના સર્વે નં.૨૪૧ પૈકીની જમીનમાં પ્લોટ નં.૫, એરીયા ૩૬૩-૭૧-૬૧ ચોરસ મીટરનો પ્લોટ તા.૩૦/૦૫/૨૦૦૭ ના ખરીદ કરેલ અને તે પ્લોટની અમુક જગ્યામાં મકાન બનાવેલ અને બાકીનો પ્લોટ ખુલ્લો છે. બાદ વર્ષ ૨૦૧૮ માં ગોંડલનો ભર્ગરાજસિંહ ઉર્ફે બિટ્ટુ જાડેજા આવેલ અને કહેલ કે, અમારે તમારા ગામમાં જીઓ કંપનીનો ટાવર ઉભો કરવો છે, જેના માટે અમારે ખુલ્લા પ્લોટની જરૂરીયાત છે, તમારી પાસે ખુલ્લો પ્લોટ હોય જે અમારે વેચાણ રાખવો છે, જો તમે અમને પ્લોટ વેચાણ આપશો તો હુ તમારા પ્લોટમાં ટાવર ઉભો કરીશ તેમા સીક્યુરીટી તરીકે તમારા ઘરના કોઇ સભ્યને નોકરીએ રખાવી દઇશ તેમ કહેતા પ્લોટ વેચવાની હા પાડી હતી.


ફરીયાદીના પ્લોટમાંથી તેમને આશરે ૧૨૫ ચોરસ મીટર જમીનની જરૂરીયાત હોય જેથી ૧૨૫ ચોરસ મીટર જમીનનો ભાવ રૂ.૫૦ હજાર નક્કી કરેલ બાદ ગઇ તા.૨૯/૧૨/૨૦૧૮ ના રોજ ભર્ગરાજસિંહ જાડેજાએ ફોન કરી રૂપીયા લેવા માટે ગોંડલ મામલતદાર ઓફિસે બોલાવતા મામલતદાર ઓફિસની બહાર ભર્ગરાજસિંહ જાડેજા હાજર હોય અને તેણે ધમકી આપેલ કે, તમારા પ્લોટમાંથી અમારે ટાવર માટે જરૂરીયાત મુજબની ૧૨૫-૪૧૫ ચોરસ મીટર જમીનનો કબજા રહિતનો સાટાખત કરવાનો છે, જેમાં તમે કાંઇ વિચાર્યા વગર સબ-રજીસ્ટ્રારને સાટ્ટાખત મુજબ રૂપીયા મળી ગયેલનુ કહી સાટ્ટા ખતમાં સહી કરી આપજો તેમ કહેતા સહિ કરવાની ના પાડતા ભર્ગરાજસિંહે ગાળો આપી ઢીકાપાટુનો માર મારી ધમકી આપેલ કે, જો તમે સાટાખતમાં સહી નહી કરો તો હુ તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા તે મારી નાખશે તેવાં ભયથી તેને હા પાડી સબ-રજીસ્ટ્રાર સમક્ષ સાટાખત રજીસ્ટર કરાવતી વખતે ભર્ગરાજસિંહની ધમકીના કારણે સબ-રજીસ્ટારને સાટાખતમાં જણાવ્યા મુજબના રૂ.૧૪ હજાર મળી ગયેલનુ જણાવી સાટ્ટાખતમાં સહી કરી આપી હતી.


બાદ આ ભર્ગરાજસિંહ જાડેજાએ પ્લોટમાં મોબાઇલ ટાવર ઉભો કરી ટાવર ચાલુ કરી દિધેલ જે ટાવર આજ સુધી તેઓની જમીન પર છે. આ સાટાખત રજીસ્ટર થયા બાદ ભર્ગરાજસિંહે ધમકી આપેલ હતી કે, જો તે આ વાત કોઇને કરી છે તો હુ તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા તેના ભયના કારણે આ વાત કોઈને કરેલ નથી. આટલા વર્ષથી જમીન પર તેમનો ટાવર ઉભો કરી કોઇ અવેજ ચુકવતા ન હોય જેથી અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application