BREAKING NEWS

રાજકોટમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા, ચા પીવાના બહાને બોલાવી ઢોર માર માર્યો પછી ઘર પાસે ફેંકી દીધો

  • July 27, 2026 07:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરતી વધુ એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. શહેરના રુખડીયાપરા વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય યુવાનની તેના જ મિત્ર અને અન્ય શખ્સો દ્વારા નિર્મમ રીતે માર મારીને હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે.


મળતી વિગતો અનુસાર, રુખડીયાપરા ખાતે રહેતા ઉમંગ રણજીતભાઈ જાપેલીયા (ઉંમર વર્ષ ૨૩) નામના યુવકને તેનો જ એક મિત્ર 'નાજીર' ચા પીવા જવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ નાજીર અને તેની સાથેના અન્ય શખ્સોએ કોઈ બાબતે ઉમંગ સાથે ઝઘડો કરી તેને બેરહમીપૂર્વક ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં અન્ય શખ્સ તેને પોતાના ઘર પાસે ફેંકીને ફરાર થઈ ગયો હતો.


ઈજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ અને ગંભીર હાલતમાં જોઈને પરિવારજનો અને આસપાસના લોકો દ્વારા તેને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર દરમિયાન ગંભીર ઈજાઓને કારણે ઉમંગ જાપેલીયાનું કરુણ મોત નીપજ્યું હતું.


આ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આરોપી મિત્ર નાજીર સહિત અન્ય સંડોવાયેલા શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે તથા તેમની ધરપકડ માટે ચક્ર ગતિમાન કર્યા છે. યુવકના મોતથી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application