રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ ઓખા અને થરા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ તેમજ રાજ્યની અન્ય ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ માટેનો સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ જાહેરાત સાથે જ સંબંધિત ચૂંટણી વિસ્તારોમાં આજથી એટલે કે ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬થી આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે, જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી યથાવત રહેશે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ ૨૭ સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે અને ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. આગામી ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ (રવિવાર) ના રોજ સવારના ૮ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. જો કોઈ કારણસર પુનઃ મતદાનની જરૂરિયાત ઉભી થાય તો તે ૧૨ ઓક્ટોબરે યોજાશે, જ્યારે ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરીને ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં સત્તાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે.
આચારસંહિતાના અમલીકરણને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર, ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલીઓ તેમજ રજાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, સિવાય કે કોઈ અત્યંત અનિવાર્ય તબીબી કે આપત્તિજનક કારણ હોય. તેમજ સરકારી સેવાઓમાં નવી નિમણૂકો આપવા પર પણ રોક લગાવવામાં આવી છે.
આ ઉપરાંત, આચારસંહિતાના સમયગાળા દરમિયાન મતદારો પ્રભાવિત થાય તે પ્રકારની કોઈપણ જાહેરાતો કે નવા વિકાસ કાર્યોના વચનો આપી શકાશે નહીં. વિવેકાધીન ફંડમાંથી નાણાકીય સહાય કે અનુદાન મંજૂર કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. રાજ્ય સરકારના તમામ વિભાગો, નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વડાઓને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા માટે તાકીદ કરવામાં આવી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે મુક્ત, ન્યાયી અનેશાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે.