BREAKING NEWS

બોસ હોય તો આવા: બેસ્ટ એપ્લોયીને ભેટમાં આપી લક્ઝરીયસ લેમ્બોર્ગિની કાર

  • October 30, 2026 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામાન્ય રીતે કર્મચારીઓને તેમની સારી કામગીરી બદલ બોનસ, ઇન્ક્રિમેન્ટ કે પ્રમોશન આપવામાં આવે છે, પરંતુ દુબઈની એક રિયલ એસ્ટેટ કંપનીએ પોતાના કર્મચારીને એવી ભેટ આપી છે કે જેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. કંપનીએ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કર્મચારીને ઇનામ તરીકે લક્ઝરી કાર લેમ્બોર્ગિની ઉરુસ ભેટમાં આપી છે. આ ભેટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


દુબઈની જાણીતી રિયલ એસ્ટેટ કંપની 'રિચકી પ્રોપર્ટીઝ' દ્વારા તાજેતરમાં કંપનીની ત્રીજી વર્ષગાંઠ અને વાર્ષિક એવોર્ડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કંપનીની સ્ટાર એજન્ટ નતાશા ચાવેઝને વર્ષ 2026ની 'ટોપ પરફોર્મર' તરીકે પસંદ કરવામાં આવી હતી. નતાશાએ છેલ્લા બે વર્ષ દરમિયાન પોતાની મહેનત અને કુશળતાના આધારે 500 મિલિયન ડોલરથી વધુની પ્રોપર્ટીનું વેચાણ કર્યું છે. ભારતીય ચલણમાં આ રકમ આશરે રૂ. 4,700 કરોડ થાય છે.


નતાશાની આ અસાધારણ સિદ્ધિને બિરદાવવા માટે કંપનીએ તેમને ખાસ સન્માન આપવાનું નક્કી કર્યું હતું. જોકે, આ સન્માન સમારોહ દરમિયાન તેમની ખુશી ત્યારે બમણી થઈ ગઈ, જ્યારે કંપનીના સીઈઓએ વધુ એક સરપ્રાઇઝ આપવાની જાહેરાત કરી.


કાર્યક્રમના હોલમાં એક શાનદાર વાદળી રંગની લેમ્બોર્ગિની ઉરુસ કાર પરથી પડદો હટાવવામાં આવ્યો હતો. આ કાર નતાશાને ભેટ તરીકે આપવામાં આવી હતી. આ લક્ઝરી કારની કિંમત આશરે રૂ. 2.3 કરોડથી રૂ. 4 કરોડ વચ્ચે હોવાનું જણાવવામાં આવે છે. પોતાની મહેનતના બદલામાં આટલી મોંઘી કારની ચાવી મળતાં નતાશાની ખુશીનો પાર રહ્યો નહોતો.


આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ વાયરલ થઈ ગયો છે. ઇન્સ્ટાગ્રામ સહિતના વિવિધ પ્લેટફોર્મ પર લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે. કંપનીએ પોતાની પોસ્ટમાં 'મોટી જીત, મોટાં સપનાં' એવો સંદેશ આપ્યો હતો.


વીડિયો જોઈને અનેક યુઝર્સ કંપનીના સીઈઓની ઉદારતાની પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો કર્મચારીઓની મહેનતને આ રીતે ઓળખવામાં આવે અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે તો તેઓ વધુ ઉત્સાહથી કામ કરે. નતાશાની સફળતા અને કંપની તરફથી મળેલી આ અનોખી ભેટ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application