મલ્ટી કોમોડિટી માર્કેટમાં કિંમતી ધાતુઓની ચાલ: સોનું ગગડ્યું, ચાંદીમાં મજબૂતી યથાવત
મલ્ટી કોમોડિટી માર્કેટમાં કિંમતી ધાતુઓના ભાવમાં મોટી વધ-ઘટ જોવા મળી રહી છે. વૈશ્વિક બજાર અને સ્થાનિક વાયદા બજારના બદલાતા સમીકરણો વચ્ચે સોનાના ભાવ પર મોટું દબાણ સર્જાયું છે અને કિંમતો નીચે આવી છે, જ્યારે બીજી બાજુ ચાંદીમાં સારી એવી મજબૂતી જોવા મળી છે. તાજેતરના કારોબારમાં સોનું ૧,૪૦,૦૦૦ રૂપિયાના મહત્વના સ્તરથી નીચે ગગડી ગયું છે, જ્યારે ચાંદીમાં ઉછાળાનો ર્દશ્ય યથાવત રહ્યો છે.
સ્થાનિક અને વૈશ્વિક બજારમાં સોનાની નરમાઈ
સ્થાનિક વાયદા બજારમાં સોનાના ૪ ડિસેમ્બર ૨૦૨૬ના વાયદામાં નરમાઈ નોંધાઈ છે. આ કોન્ટ્રેક્ટ ૧૪૧,૨৭০ના સ્તરે ખૂલ્યા બાદ દિવસ દરમિયાન ૧૪૧,૯૯૦ની ઊંચી અને ૧૩૯,૭૭૨ની નીચી સપાટી બનાવી ચૂક્યો છે. આમ, દિવસ દરમિયાન સોનાના ભાવમાં ૨,૨૧૮ રૂપિયાની ઉથલ-પાથલ જોવા મળી છે. અગાઉના 1,40,526ના બંધ સામે રાત્રે ૧૦:૩૦ વાગ્યાના લેટેસ્ટ અપડેટ મુજબ સોનું ૧,૩૯,૮૪૬ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક બજારમાં પણ સોનું ૦.૪૭ ટકા તૂટીને ૪,૦૧૧.૨૦ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં સોનામાં પ્રતિ ૧૦ ગ્રામ આશરે ૩,૦૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જે ગત ૪ નવેમ્બરે ૧.૪૩ લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતું.
ચાંદીની ચમક વધી: મોટા ઉછાળા સાથે કારોબાર
સોનાથી બિલકુલ વિપરીત ચાંદીમાં સારો એવો સુધારો જોવા મળ્યો છે. ૪ ડિસેમ્બર ૨૦૨૬ના ચાંદી વાયદામાં રાત્રે ૧૦:૩૦ વાગ્યાના લેટેસ્ટ ટ્રેડિંગ અપડેટ મુજબ ભાવ ૧,૮૪,૨૮૬ના સ્તરે બોલાઈ રહ્યો છે. દિવસ દરમિયાન આ કોન્ટ્રેક્ટ ૧૮૫,૪૧૪ પર ખૂલ્યો હતો અને ઉપરમાં ૧૮૭,૯૭૯ તથા નીચામાં ૧૮૪,૦૮૪ની રેન્જ નોંધાવી હતી. આમ, દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં ૩,૮૯૫ રૂપિયાની ઉથલ-પાથલ જોવા મળી છે, જે અગાઉના ૧૮૨,૫૭૬ના બંધ સામે નોંધપાત્ર વધારો દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ચાંદી ૨ ટકા વધીને ૫૨.૩૦ ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહી છે. જોકે લાંબા ગાળાની સરખામણી કરીએ તો ૪ નવેમ્બરે ચાંદી ૧.૮૭ લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હાલ ૧.૮૪ લાખ રૂપિયાની આસપાસ સ્થિર થવાનો પ્રયાસ કરી રહી છે.
ભાવમાં ફેરફાર પાછળના મુખ્ય વૈશ્વિક કારણો
કિંમતી ધાતુઓમાં જોવા મળી રહેલી આ વધ-ઘટ પાછળ વૈશ્વિક જીઓ-પોલિટિકલ સ્થિતિ અને આર્થિક ડેટા મુખ્ય પરિબળો છે. વૈશ્વિક સ્તરે તણાવમાં ઘટાડો થઈ રહ્યો છે અને ઈરાન તથા અમેરિકા શાંતિ સમજૂતી તરફ આગળ વધી રહ્યા હોવાના સંકેતો મળતાં રોકાણકારો સોના-ચાંદી જેવા સુરક્ષિત રોકાણના વિકલ્પોમાંથી પોતાના નાણાં અન્યત્ર વાળી રહ્યા છે. બીજી તરફ, અમેરિકામાં મોંઘવારીના તાજેતરના આંકડા સામે આવ્યા બાદ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ફરી વધારો થવાની શક્યતાઓ વધી છે, જેની સીધી અસર બજારના ઓવરઓલ સેન્ટિમેન્ટ પર જોવા મળી રહી છે.