BREAKING NEWS

દિલ્હીના પ્રદૂષણમાંથી હાલ નહીં મળે રાહત, કૃત્રિમ વરસાદની આશા પર પણ પાણી ફરી વળ્યું

  • November 12, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





દિલ્હીમાં હવાના ગંભીર પ્રદૂષણનો સામનો કરી રહેલા લોકોને હાલ હવામાન તરફથી પણ રાહત મળવાની શક્યતા ઓછી છે. ઝેરી હવાને સાફ કરવામાં મદદરૂપ બની શકે તેવા વરસાદની શક્યતાને ભારતીય હવામાન વિભાગ (IMD)એ નકારી કાઢી છે. હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપના પ્રભાવથી 12 અને 13 નવેમ્બરે દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદ પડવાની શક્યતા નથી. આ આગાહીને કારણે પ્રદૂષણ ઘટાડવા માટે IIT કાનપુર અને દિલ્હી સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃત્રિમ વરસાદની યોજનાને પણ મોટો ફટકો પડ્યો છે.



ડૉ. મહાપાત્રના જણાવ્યા મુજબ, હાલના વાતાવરણમાં મધ્યમ અને ઊંચાઈવાળા વાદળો બનવાની શક્યતા છે. આ પ્રકારનાં વાદળો કૃત્રિમ વરસાદ માટે અનુકૂળ નથી. તેમણે જણાવ્યું હતું કે, કૃત્રિમ વરસાદ માટે માત્ર આકાશમાં વાદળો હોવા પૂરતા નથી. વાદળોની રચના, તેમાં ભેજનું પ્રમાણ અને વાતાવરણની સ્થિતિ પણ અનુકૂળ હોવી જરૂરી છે.



ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદની પ્રક્રિયા માટે સંવહનીય (કન્વેક્ટિવ) વાદળોમાં ઊર્ધ્વગામી હવાની ગતિ અને ભેજની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. હાલની પરિસ્થિતિમાં આવા વાદળો બનવાની શક્યતા ઓછી હોવાથી કૃત્રિમ વરસાદ કરાવવામાં આવે તો પણ અપેક્ષિત પરિણામ મળવાની આશા ઓછી છે.

મેદાની વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી



હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ તથા હિમવર્ષા થઈ શકે છે. જ્યારે ઉત્તર પંજાબના કેટલાક વિસ્તારોમાં હળવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જોકે, દિલ્હી સહિત ઉત્તર ભારતના પ્રદૂષણથી પ્રભાવિત મેદાની વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા નથી.



ડૉ. મહાપાત્રે જણાવ્યું હતું કે, 12 અને 13 નવેમ્બરે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે, પરંતુ એટલો વરસાદ નહીં પડે કે હવામાં રહેલા પ્રદૂષક તત્ત્વો દૂર થઈ શકે. તેમણે ચેતવણી આપી હતી કે વરસાદ વિના માત્ર વાદળો અને ભેજનું પ્રમાણ વધવાથી કેટલીક વખત પ્રદૂષણની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.



બંગાળની ખાડીમાં બનતું હવામાન તંત્ર આશા જગાવી શકે



હવામાન વિભાગની નજર બંગાળની ખાડીમાં વિકસી રહેલા અન્ય એક હવામાન તંત્ર પર પણ છે. વિભાગના જણાવ્યા મુજબ, 15 કે 16 નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં ઊંડું દબાણ સર્જાવાની શક્યતા છે, જે આગળ જતાં ચક્રવાતી તોફાનનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. જોકે, આ હવામાન તંત્ર કઈ દિશામાં આગળ વધશે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. તે આંધ્રપ્રદેશ અથવા બાંગ્લાદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે.



જો આ હવામાન તંત્ર બાંગ્લાદેશ તરફ આગળ વધે અને ઉત્તર ભારત પર તેની અસર થાય તો ઉત્તર-પશ્ચિમ ભારત તથા ગંગાના મેદાની વિસ્તારોમાં ઉત્તર-પશ્ચિમના પવનોની ગતિ વધી શકે છે. તેનાથી વાતાવરણમાં ફેલાયેલા પ્રદૂષક તત્ત્વોને વિખેરવામાં મદદ મળી શકે છે. જોકે, આ રાહત સંપૂર્ણપણે હવામાન તંત્રની દિશા અને તેની ગતિ પર નિર્ભર રહેશે.


ધીમા પવનથી પ્રદૂષણની સમસ્યા યથાવત્ રહેવાની આશંકા



હાલ ઉત્તર ભારતમાં પવનની ગતિ ધીમી અથવા લગભગ શાંત રહેવાની આગાહી છે. આવી સ્થિતિમાં હવામાં રહેલા પ્રદૂષક તત્ત્વો ઝડપથી વિખેરાઈ શકશે નહીં. હવામાન વિભાગના મહાનિર્દેશકે પણ સ્પષ્ટ કર્યું છે કે હાલના પવનો પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ નહીં બને. પરિણામે દિલ્હીના લોકોને ઝેરી હવાથી રાહત મેળવવા માટે વરસાદ અને તેજ પવનની રાહ જોવી પડી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application