વૈશ્વિક પરિબળોની અસરથી આજે બાર જાન્યુઆરીને સત્તાના પ્રથમ દિવસે ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધવામાં આવ્યો છે. ફરી એક વખત બને કિમતી ધાતુએ ઐતિહાસિક સપાટી પાર કરી છે. એમસીએક્સ પર સોનાએ ગત સપ્તાહની ભરપાઈ કરતા 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ રૂ.2,500ના ઉછાળા સાથે રૂ.1,41,370ને પાર પહોંચ્યા, જ્યારે રાજકોટમાં જીએસટી સાથે સોનાના ભાવમાં રૂ.2550ના ઉછાળા સાથે રૂ.1,44, 665 પર ટ્રેન્ડ કરતા જોવા મળ્યા છે. તો ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂ.12,000થી વધુ ઉછાળા સાથે બપોર સુધીમાં રૂ.2,65,391ને પાર પહોંચ્યા છે.
ચાંદીનો નવો ભાવ રૂ.2,65,834 નોંધવામાં આવ્યો
આજે બજાર ખુલતાની સાથે જ એમસીએક્સ પર સોનાનો ભાવ રૂ.1,39,600 નોંધવામાં આવ્યો હતો, જેમાં પણ બપોર સુધીમાં વધુ 2,000નો વધારો નોંધવામાં આવ્યો હતો. એમસીએક્સ પર ચાંદીના વાયદા ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અગાઉના ટ્રેડિંગ સત્રમાં પાંચ માર્ચ 2026ના વાયદાની ચાંદીનો ભાવ રૂ.2,52,725 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. બજાર ખુલતાજ ચાંદીનો નવો ભાવ રૂ.2,65,834 નોંધવામાં આવ્યો હતો. જે બપોર સુધીમાં રૂ.2,65,000ને પાર પહોંચી ગયો હતો.
ચાંદીમાં પણ મોટી તેજી જોવા મળી
આજે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદા વાળા 24 કેરેટ સોનાના ભાવ સવારે 11:25 કલાકે રૂ.2400 ઉછાળા સાથે રૂ.1,41,256 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. જ્યારે ચાંદીમાં પણ મોટી તેજી જોવા મળી હતી. આ સમયે માર્ચના કોન્ટ્રાક્ટ વાળી ચાંદીના ભાવ રૂ.12,408ના ઉછાળા સાથે રૂ.265,133 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા હતા. આમ બને કીમતી ધાતુઓના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળતા રોકાણકારો ગેલમાં આવી ગયેલા જોવા મળ્યા હતા.
ચાંદીનું આગામી લક્ષ્ય 2.75 લાખ પ્રતિ કિલોને પાર પહોંચી જશે
જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 4600 ડોલરની નજીક 4585.55 પ્રતિ ઔંસ જ્યારે ચાંદીના ભાવ 84.07 પ્રતિ ઔંસ પર પહોંચી ગયેલા જોવા મળ્યા છે.સોની બજારના વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે જો દેશની સોની બજારમાં સોનું રૂ.1,42,00ની સપાટી પર ટકી રહેશે, તો ટૂંક સમયમાં જ પ્રતિ 10 ગ્રામ રૂ.1,50,000ની સપાટી પર પહોંચી શકે છે. જ્યારે ચાંદીનું આગામી લક્ષ્ય 2.75 લાખ પ્રતિ કિલોને પાર પહોંચી જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકા અને વેન્ઝુએલા વચ્ચે વધી રહેલા તનાવ અને પૂર્વમાં અસ્થિરતાના કારણે રોકાણકારો સલામત રોકાણ માટે સોના અને ચાંદીની માગમાં વધારો કરી રહ્યા છે. જેના કારણે બંને કીમતી ધાતુના ભાવમાં વધારો થયો છે. 1 જાન્યુઆરી 2026થી ચીને ચાંદીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ચીન વૈશ્વિક સ્તરે ચાંદીની નિકાસ નું મોટું હબ માનવામાં આવે છે. તેના પ્રતિબંધને લઈને વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે.