રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગુજરાતમાં વર્તમાન સમયે સર્જાયેલી વીજળી અને પાણીની કટોકટી અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ચોમાસા સત્રના આંકડાઓનો હવાલો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પોતાના રાજ્યમાં વીજળીનું ઉત્પાદન કરીને અન્ય રાજ્યો અને ખાનગી કંપનીઓને પાવલીના ભાવે વેચી રહી છે, જેના કારણે સ્થાનિક સ્તરે વીજ કટોકટી સર્જાઈ રહી છે.
સરકારની નીતિઓ પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું હતું કે, સરકારે જાણે નવો વિકાસ કર્યો હોય તેમ ‘સ્ટેગરિંગ હોલીડે’ જેવો અંગ્રેજી શબ્દ આપ્યો છે, જેનો સાચો ગુજરાતી અર્થ ‘વીજળીના ધાંધિયા’ થાય છે. જો સરકાર ખુલ્લેઆમ સ્વીકારે કે રાજ્યમાં વીજ કટોકટી છે તો લોકો જાગૃત થઈ જાય. ભાજપના 'વિકાસનો ફુગ્ગો' હવે ફૂટી ગયો છે. પરિણામે, રાજકોટ, જામનગર, જુનાગઢમાં ઉદ્યોગપતિઓને દરરોજ ચાર કલાક વીજળીનો ઉપયોગ ન કરવા ધમકાવવામાં આવે છે અને સાંજ પડતાં જ હજારો ગામડાઓમાં ત્રણથી ચાર કલાક સુધી વીજળી કાપી નાખવામાં આવે છે. નવરાત્રી જેવા પવિત્ર તહેવાર દરમિયાન પણ વીજળી ગુલ કરી દેવામાં આવતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. ભાજપની સરકાર વીજળીનું સંચાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. તમારાથી ન થતા હોય તો હસતા મોઢે રજા લઈ લો.
સોલાર ઊર્જા યોજનાઓ અંગે ગંભીર આરોપ લગાવતાં તેમણે કહ્યું કે, સોલાર પેનલમાંથી વીજળી ઉત્પાદન કરી રાત્રે ઉપયોગમાં લેવા માટેની યોજના લાવવામાં આવી હતી. પરંતુ ઉચ્ચ અધિકારીઓને બેટરી સંચાલકો પાસેથી જોઈતું કમિશન ન મળવાના કારણે આશરે બે વર્ષ પહેલાં શરૂ થયેલી આ મહત્વકાંક્ષી યોજનાને બારોબાર બંધ કરી દેવામાં આવી. આ સિવાય, ભાજપના નેતાઓ પર કટાક્ષ કરતા ઇટાલિયાએ કહ્યું કે, ભાજપના લોકો વર્ષમાં ૧૦ વાર વિદેશ પ્રવાસે જાય છે, ત્યારે તેઓ ત્યાંના રોડ-રસ્તા કે સુવિધાઓ જોતા નહીં હોય કે પછી ત્યાં માત્ર પીવા માટે જ જાય છે?
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની કટોકટીને અતિ ગંભીર ગણાવતાં તેમણે કહ્યું કે, ઈસુદાન ગઢવીની આગેવાનીમાં આપ દ્વારા રાજ્યમાં દૂષ્કાળ જાહેર કરવાની માંગ સાથે પ્રથમ કાર્યક્રમ યોજાયો હતો. સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે મોટું સંકટ ઊભું થયું છે અને વરસાદના અભાવે ખેડૂતોના ઊભા પાક બળીને ખાખ થઈ ગયા છે. ખેડૂતોના હિત મુદ્દે શાસક પક્ષને આડે હાથ લેતાં તેમણે કહ્યું કે, જે ખેડૂતોના પાક બળી ગયા છે તે બધા હિન્દુ જ છે, જો તમે સાચા હિન્દુ પ્રેમી હોવ તો કપાસ અને પાકના નુકસાની સામે દુષ્કાળ કેમ જાહેર નથી કરાવતા? ભાજપના નેતાઓ માત્ર રીલ્સ બનાવવા પૂરતા જ હિન્દુ બને છે.