BREAKING NEWS

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બનશે સાન્તાક્લોઝ: નાતાલના દિવસે પદવીદાન સમારોહ

  • November 28, 2025 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 60 મો પદવિદાન સમારોહ આગામી તારીખ 25 ડિસેમ્બરના રોજ નાતાલના દિવસે યોજવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની ખાસ ઉપસ્થિતિમાં યોજાનારા આ સમારોહમાં જુદી જુદી 16 વિદ્યાશાખાના 43,900 વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ એનાયત કરવામાં આવશે.

કુલ ૭૨ ગોલ્ડ મેડલ જાહેર કરવામાં આવ્યા છે તેમાં 56 વિદ્યાર્થીનીઓ છે અને 13 વિદ્યાર્થીઓ છે. રાજકોટના સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થી પંડ્યા પાર્થ જયેશભાઈ ને દાતા તરફથી ત્રણ ગોલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી એક પુરસ્કાર આપવામાં આવશે.

જોકે સૌથી વધુ ગોલ્ડ મેડલ સુરેન્દ્રનગરની સી યુ શાહ મેડિકલ કોલેજની અઘારા ધૃતિને મળવાના છે. દાતાઓ તરફથી સાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી છ મળીને કુલ 13 ગોલ્ડ મેડલ અને બે પ્રાઇઝ ધૃતિને એનાયત કરવામાં આવશે. સૌથી વધુ મેડલ મેળવવાના ક્રમમાં બીજા નંબરે અમરેલીની મોંઘીબા મહિલા આર્ટસ કોલેજની ગાયત્રી દિલીપભાઈ નિમાવત આવે છે. તેને દાતા તરફથી ત્રણ ગોલ્ડ મેડલ સાત પુરસ્કાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી એક પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

કાનજી ભુટા બારોટ રંગ મંચ ખાતે યોજાનારા ૬૦માં પદવીદાન સમારોહમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ તબીબી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને મળે છે.

યુનિવર્સિટીમાં હજુ થોડા સમય પહેલા જ એડમિશનની પ્રક્રિયા પૂરી થઈ છે અને પ્રથમ ટર્મ પણ સમાપ્ત થઈ ગઈ છે. હવે બીજી ટર્મમાં પદવીદાન સમારોહ યોજવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા યુવક મહોત્સવ યોજાયો હતો અને હવે આવો બીજો મેગા ઇવેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે તારીખ 25ના પદવીદાન સમારોહનો બની રહેશે. કુલપતિ ઇન્ચાર્જ રજીસ્ટાર સહિતના અધિકારીઓની રાહબરી હેઠળ આ માટેની તૈયારીઓ જોરશોર થી ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application