BREAKING NEWS

રાજકોટમાં પ્રથમ વખત ભવ્ય સનાતન કાવડ યાત્રા: 'હર હર મહાદેવ'ના જયઘોષથી રંગીલું શહેર ગુંજી ઉઠ્યું

  • September 07, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રંગીલા રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ ધર્મપ્રસાર દ્વારા પ્રથમ વખત આયોજિત "સનાતન કાવડ યાત્રા-2026"નું આજે સવારે અત્યંત ઉત્સાહભેર અને ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે બોહળી સંખ્યામાં શિવભક્તો કાવડ ધારણ કરીને પવિત્ર જળ સાથે યાત્રામાં જોડાયા હતા. શ્રદ્ધાળુઓના મુખેથી નીકળતા "હર હર મહાદેવ" અને "જય ભોલેનાથ" ના ગગનભેદી જયઘોષથી સમગ્ર શહેરનું વાતાવરણ પવિત્ર અને ભક્તિમય બની ગયું હતું.


આ ભવ્ય કાવડ યાત્રા ન્યારી ડેમ ખાતેથી પવિત્ર જળ ભરીને પ્રસ્થાન થઈ હતી. ત્યાંથી રાજકોટ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને પ્રાચીન અને ઐતિહાસિક રામનાથ મહાદેવ મંદિર તરફ આગળ વધી હતી. યાત્રાના રૂટ દરમિયાન ચમત્કારિક હનુમાન મંદિર, એ.જી. ચોક, આકાશવાણી ચોક, રૈયા ચોકડી, બ્રહ્મ સમાજ ચોક, કનૈયા ચોક, હનુમાન મઢી, ત્રિકોણબાગ, બાલાજી મંદિર અને સ્વામિનારાયણ મંદિર જેવા પ્રમુખ વિસ્તારોમાંથી પસાર થતાં જ ઠેર-ઠેર શિવભક્તોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


યાત્રા જ્યારે શહેરના પ્રમુખ એ.જી. ચોક ખાતે પહોંચી ત્યારે ત્યાં અતિ ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રના રાજકીય અને સામાજિક મહાનુભાવો દ્વારા કાવડ લઈને ચાલી રહેલા શિવભક્તો પર પુષ્પવર્ષા કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકો અને શિવપ્રેમીઓની હાજરીથી એ.જી. ચોક ખાતે અદ્ભુત ભક્તિસભર માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત, યાત્રા રૂટ પર આવેલા ચમત્કારિક હનુમાનજી મંદિર ખાતે પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધાર્મિક ક્ષેત્રના પદાધિકારીઓ, સંતો અને આગેવાનોએ હાજરી આપીને ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા.


સનાતન સંસ્કૃતિ, શ્રદ્ધા, સેવા અને સામાજિક એકતાનો અનોખો સંદેશ આપતી આ પ્રથમ કાવડ યાત્રામાં રાજકોટવાસીઓએ અદભુત ઉત્સાહ દાખવ્યો હતો. આબાલવૃદ્ધ સૌ કોઈએ આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી બનીને "હર હર મહાદેવ" ના નાદથી સમગ્ર રાજકોટ શહેરને શિવભક્તિના રંગમાં રંગી દીધું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application