BREAKING NEWS

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક: આર્મી જવાન ભાઈને તેડવા આવેલા બે શખ્સો ગેટ ધકેલી અંદર ઘૂસ્યા

  • September 07, 2026 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. ૬ સપ્ટેમ્બરના રોજ સવારની ફ્લાઇટમાં વતને આવી રહેલા આર્મીના એક જવાનને લેવા આવેલા તેમના બે ભાઈઓ એરપોર્ટના અતિ સંવેદનશીલ ગણાતા ડિપાર્ચર ગેટને ધક્કો મારીને અંદર ઘૂસી ગયા હતા. આ પ્રકારની સુરક્ષામાં મોટી ચૂક સામે આવતાં જ એરપોર્ટ સંકુલમાં ક્ષણભર માટે દોડધામ મચી ગઈ હતી અને સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા.

મળતી વિગતો અનુસાર, રવિવારે સવારે આશરે ૯:૩૦ વાગ્યે એરપોર્ટ પર ફ્લાઇટનું લેન્ડિંગ થવાનું હતું. આર્મી જવાનને તેડવા માટે પહોંચેલા બંને આધેડ ભાઈઓ બહાર પ્રતીક્ષા કરવાને બદલે 'D-3' ડિપાર્ચર ગેટ પાસેથી સીધા જ અંદર પ્રવેશ કરી ગયા હતા. ત્યાં તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના સુરક્ષા જવાનોએ ત્વરિત બંનેને અટકાવ્યા હતા. ગેટ ધકેલીને અંદર આવવા પાછળનું કારણ પૂછતાં તેમણે સિક્યુરિટી કર્મચારીઓને જણાવ્યું કે, તેઓ તેમના ભાઈને લેવા આવ્યા છે અને તેમને એરપોર્ટના સુરક્ષા નિયમો વિશે જાણ ન હતી.

ઘટના બાદ CISFના જવાનોએ બંને વ્યક્તિઓની કડક પૂછપરછ કરી હતી અને ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી માટે બંનેને એરપોર્ટ પોલીસ સ્ટેશનને સોંપી દીધા હતા. જોકે, આ ઘટનાએ ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. સામાન્ય નાગરિકો આટલી સરળતાથી ગેટ ધકેલીને અંદર પહોંચી જાય તે સુરક્ષામાં રહેલી મોટી બેદરકારી દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટના જૂના એરપોર્ટ પર પણ એક રિક્ષાચાલક બેરિકેડ તોડીને સીધો એરોપ્લેન સુધી પહોંચી ગયો હતો. હવે આંતરરાષ્ટ્રીય સ્તરના નવા એરપોર્ટ પર આ પ્રકારે ગેટ ધકેલીને અંદર ઘૂસી જવાની ઘટના સામે આવતાં સ્થાનિક તંત્ર અને એરપોર્ટ ઓથોરિટીની સુરક્ષા કાયદાઓની અમલવારી સામે લોકો ભારે આશ્ચર્ય અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application