BREAKING NEWS

વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજીત 'હરિત ઘર-સ્વસ્થ સમાજ' અભિયાનનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ, 76,000 રોપા વિતરણ માટે વર્લ્ડ રેકોર્ડ નોંધાયો

  • September 17, 2026 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત 'હરિત ઘર-સ્વસ્થ સમાજ' અભિયાનના શુભારંભ કરાવ્યો હતો. જેમાં કિચન ગાર્ડનના ૭૬,૦૦૦ રોપા વિતરણના અનોખા અભિયાન માટે ગોલ્ડન બુક ઑફ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ  ભાવેશ લાખાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્થાના મહામંત્રી સુધીર એસ. રાવલે અભિયાન અંગે વિગતવાર વાત કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે વિકાસની સાકર ચાખી લીધી છે, એટલે દેશના લોકોનો આજે પણ તેમના પર ભરોસો છે. વિકાસ માટે પ્રતિકૃળ વૈશ્વિક પરિસ્થિતિમાં પણ ભારતનું અર્થતંત્ર જે ગતિએ આગળ વધી રહ્યું છે, તેને આખી દુનિયા જોઈ રહી છે. બ્રિક્સ સંમેલનમાં ભારતનો વધતો પ્રભાવ આપણે જોયો છે.


મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 1960થી મહારાષ્ટ્રથી આપણે છૂટા પડ્યા ત્યારે ગુજરાતનું ડેવલપમેન્ટ કેવી રીતે થશે એ મોટો સવાલ હતો, પણ નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની ધૂરા હાથમાં લીધી અને ગુજરાતનો સાર્વત્રિક વિકાસ થયો, જે આપણી નજર સામે છે. આજે સમગ્ર ગુજરાતમાં વિકાસ જોવા મળે છે, દરેક વ્યક્તિ અને ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન અને વિકાસ જોવા મળી રહ્યો છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતીઓની પાંચ જ નહિ, પરંતુ દશેય આંગળીઓ ઘીમાં છે.


ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે વિકાસ માટે જરૂરી વીજળી, પાણી, રોડ-રસ્તા અને માળખાગત સુવિધાઓ બાબતે નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાયાનું કામ કર્યું. ગુજરાતનો વિકાસ જોઈને જ સમગ્ર દેશમાં લાગણી ઊભી થઈ કે આ નેતા જ ભારત દેશને પણ વિકાસની એવી ઊંચાઈઓ ઉપર લઈ જશે. અશક્યને શક્ય કરી બતાવે એવા આપણા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ છે. તેમણે જે કહ્યું તે કરી બતાવ્યું છે, એટલે જ દેશ જ નહિ, સમગ્ર વિશ્વાસ તેમના પર વિશ્વાસ મૂકે છે. વડાપ્રધાનના જન્મ દિવસે તેમના માટે ઘરે ઘરે આશીર્વાદનો દીવો પ્રગટશે એવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. 

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ વિકાસની સાથે પર્યાવરણને પણ એટલું જ મહત્ત્વ આપે છે. તેમણે ‘મિશન લાઇફ’નો મંત્ર આપ્યો છે. વડાપ્રધાને ‘કેચ ધ રેઇન’ ‘એક પેડ માં કે નામ’ અને પ્રાકૃતિક ખેતી જેવાં અભિયાન શરૂ કરાવ્યાં, જે આજે જનઆંદોલન બની ગયાં છે. વડાપ્રધાને વિકાસની સાથે હંમેશાં પર્યાવરણ સંરક્ષણની ચિંતા કરી છે, વિશ્વ ગુજરાતી સમાજનું ‘હરિત ઘર-સ્વસ્થ સમાજ’ અભિયાન એ જ દિશા તરફનો પ્રશંસનીય પ્રયાસ છે. લોકો પોતાના ઘરમાં શાકભાજી ઉગાડશે એટલે તેમને પર્યાવરણ અને વિકાસની સમજ વધારે સ્પષ્ટ થશે, એવું તેમણે ઉમેર્યું હતું.


વડાપ્રધાનની દૂરંદેશી અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીને પરિણામે જ આજે ગિફ્ટ સિટી વૈશ્વિક ફાઇનાન્શિયલ હબ બની ચૂક્યું છેશ્રી નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ કરાવી, આજે ગુજરાત વૈશ્વિક મૂડીરોકાણમાં મોખરે છે. દુનિયાની ટોચની 500 કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. વર્ષ 2001માં એક લાખ પંચાસી હજાર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હતી, આજે 27 લાખથી વધારે એમએસએમઈ ગુજરાતમાં છે અને લાખો લોકોને રોજગારી આપી રહી છે.


વડાપ્રધાનના 76મા જન્મ દિવસથી એક મહિનો ચાલનારા સેવા સંકલ્પ અભિયાનનો ઉલ્લેખ કરવા સાથે મુખ્યમંત્રીએ વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવા આહવાન આપ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા ગુજરાતીઓ રંગદત્ત જોશી, વિજય ડોબરિયા તથા સોહિલ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પર્યાવરણ રક્ષણ માટે કાર્યરત ૩૫ જેટલા સ્ટાર્ટઅપનાં ઉત્પાદન અને સેવાઓનું પ્રદર્શન -વેચાણ માટે તૈયાર કરાયેલા સ્ટોલ્સની મુલાકાત લઈને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ સમારંભમાં ધારાસભ્ય સર્વશ્રી અમિતભાઈ શાહ, શ્રી અમિત ઠાકર, શ્રી કોશિક જૈન, વિશ્વ ગુજરાતી સમાજના પૂર્વ પ્રમુખ શ્રી ગોરધનભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ શાહ, મનીષ શર્મા, બિપીન સોની સહિતના હોદ્દેદારો અને સંસ્થા સાથે જોડાયેલા તેમજ પર્યાવરણ સંરક્ષક સ્ટાર્ટઅપ ચલાવતા યુવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News