રાજકોટના વિકાસને વધુ વેગ આપવા માટે રાજકોટ મહાનગરપાલિકામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ફ્ક્ત એક જ દરખાસ્તના એજન્ડા સાથે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ચેરમેન પરેશભાઈ પીપળીયા દ્વારા શહેરીજનો માટે સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી રૂ.૯૦૦ કરોડના વિકાસકામો કરવાની દરખાસ્ત સરકારમાં મોકલવાનું સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
આ દરખાસ્તનો મુખ્ય હેતુ રાજકોટ શહેરમાં નાગરિકોની સુવિધા અને જાહેર ઉપયોગિતાને લગતા વિવિધ વિકાસકાર્યોને આગળ ધપાવવાનો છે. શહેરની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માર્ગો, પાણી, ડ્રેનેજ, જાહેર સુવિધાઓ તથા અન્ય જરૂરી માળખાકીય વિકાસકાર્યો માટે નાણાકીય સહાય અને આયોજનની દિશામાં આ દરખાસ્ત મહત્વપૂર્ણ બની રહેશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા દ્વારા શહેરીજનોને કેન્દ્રમાં રાખીને વિકાસલક્ષી કામગીરી માટે રૂ. ૯૦૦ કરોડની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, જે આજે સરકારમાં મોકલવામાં આવશે. સરકારની મંજૂરી તથા લાગુ પડતી પ્રક્રિયા અનુસાર આ ગ્રાન્ટમાંથી નગરજનોની સુવિધા માટે જરૂરી વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે.
સરકારમાં ૨૭૨ વિકાસકામો સૂચવ્યા
૧. ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના ૧૩૮ કામ- રૂ.૪૨,૮૩૪ લાખ
૨. સામાજિક આંતરમાળખાકીય સુવિધાના ૪૩ કામ- રૂ.૧૨,૧૦૭.૭૬ લાખ
૩. અર્બન મોબિલિટી-પબ્લિક ટ્રાન્સપોર્ટના ૦૪ કામ- રૂ.૧૧૦૫ લાખ
૪. શહેરની આગવી ઓળખ માટેના ૧૨ કામ- રૂ.૭૭૦૩.૨૪ લાખ
૫. મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના ૪૦ કામ- રૂ.૧૨૦૦૦ લાખ
૬. આઉટગ્રોથ વિસ્તારના ૩૫ કામ- રૂ.૧૪,૨૫૦ લાખ
કુલ રકમ રૂ.૯૦,૦૦૦ લાખ