BREAKING NEWS

રાજકોટમાં મટુકી રેસ્ટોરન્ટ પાસે બ્યુટીપાર્લર સંચાલિકાની હત્યા, એકલા રહેતા માતાને સવારે પુત્ર મળવા આવતા લોહીથી લથબથ હાલતમાં લાશ મળી

  • September 17, 2026 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં યુવતીની પજવણી બાબતે પરપ્રાંતીય યુવાનની હત્યા થયાના એક દિવસ બાદ વધુ એક હત્યાની ઘટના શહેરમાં બનવા પામી છે. કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ બાપા સીતારામ સોસાયટીમાં રહેતા બ્યુટી પાર્લર સંચાલિકા ગીતાબેન કિશોરભાઇ વાજા(ઉ.વ.૫૫) નામના મહિલાની તેમના જ ઘરમાં તિક્ષણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જે અંગેની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફ ઉપરાંત એલસીબી અને ડીસીબીની ટીમ તથા ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી આર.એસ.બારીયા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા અહીં ઘરમાં એકલા જ રહેતા હતા. આજરોજ સવારના તેમનો પુત્ર અહીં માતાને મળવા આવતા બનાવ સામે આવ્યો હતો. મહિલાની હત્યા કયાં કારણોસર અને કોણે કરી તે અંગે પોલીસ અલગ અલગ મુદ્દા ઉપર તપાસ ચલાવી રહી છે હત્યામાં ઘરના જ ઘાતકી હોવાની શંકાએ તપાસ કરાઇ રહી છે.

હત્યાના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ બાપા સીતારામ સોસાયટીમાં રહેતા ગીતાબેન કિશોરભાઈ વાજા (ઉ.વ.55) નામના મહિલાની આજરોજ સવારના સુમારે તેમના જ ઘરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. તેમનો પુત્ર આશિષ સવારે માતાને મળવા માટે અહીં ઘરે આવ્યો હતો. દરમિયાન માતાને લોહીથી લથબથ હાલતમાં જોઈ ચોંકી ગયો હતો બાદમાં તેણે તુરંત 108 માં જાણ કરી હતી અને બાદમાં આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવને લઇ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ કે.કે. ગોહિલ તથા સ્ટાફ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.એલ. ડામોર તેમજ એલસીબી ઝોન ટુના પીએસઆઇ એસ.વી.ચુડાસમા, એએસઆઇ હરપાલસિંહ જાડેજા, જે. વી. ગોહિલ, રાજેશભાઈ, શક્તિસિંહ, યુનિવર્સિટી ડી. સ્ટાફ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અલગ અલગ ટીમોએ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવા તજવીજ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ગીતાબેનને સંતાનમાં બે પુત્ર છે જેમાં પુત્ર આશિષ પિતા કિશોરભાઈ સાથે રહે છે. જે બંને ઘર નજીક આવેલી હેરડ્રેસરની દુકાનમાં જ રહેતા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જ્યારે મહિલાનો અન્ય પુત્ર જીતુ અમદાવાદમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે આ પરિવાર મૂળ કેશોદ પંથકનો વતની હોવાની માલુમ પડ્યું છે.

બનાવને લઈ પોલીસ દ્વારા એફએસએલ, ડોગ સ્કોવડની સહિતની ટીમોની મદદ લેવામાં આવી હતી. મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી હત્યાના આ બનાવનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબી- ડીસીબીની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ અહીં મકાનમાં એકલા જ રહેતા અને બ્યુટી પાર્લર ચલાવનાર મહિલાની હત્યામાં પોલીસ અલગ અલગ મુદ્દાઓ પર તપાસ ચલાવી રહી છે. એટલું જ નહીં પરંતુ હત્યાના આ બનાવમાં ઘરના ઘાતકી હોવાની દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.


બે દિવસ પૂર્વે છે પરિવારમાં ઝઘડો થયો હતો, પીસીઆર પણ બોલાવી હતી

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, હત્યાનો બનાવવાનો ભોગ બનનાર ગીતાબેનના બે પુત્રો વચ્ચે બે દિવસ પૂર્વે છે ઝઘડો થયો હતો બાદમાં પીસીઆરને પણ બોલાવવામાં આવી હતી જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે કેમ તે સત્તાવાર રીતે જાણવા મળી શકયુ નથી.


મૃતકના પતિના ચહેરા પર વિખોડીયાના નિશાન, પિતા-પુત્રની સઘન પૂછતાછ

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, મૃતક ગીતાબેનના પતિ કિશોરભાઈની પોલીસે પૂછપરછ કરી હતી. દરમિયાન તેમના ચહેરા પર વિખોડિયાના નિશાન જોવા મળ્યા હતા. આ બાબતે પૂછતા બે દિવસ ઝઘડો થતા નિશાન થયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ હાલ પોલીસ દ્વારા હત્યાના આ બનાવવાની નહીં પિતા- પુત્રની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે.


પ્રેમસંબંધમાં હત્યા થયાની આશંકા

સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ મહિલાને શહેરમાં જ રહેતા એક શખસ સાથે સંબંધ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. જે સંબંધોને લઇ મહિલાની હત્યા કરી હોવાની પણ પ્રબળ શંકા ઉઠી છે. ત્યારે પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application