BREAKING NEWS

છૂટાછેડા લેનારાઓ માટે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હવે આ વસ્તુ માટે છ મહિના રાહ નહીં જોવી પડે

  • January 06, 2026 09:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છૂટાછેડા લેનારાઓ માટે ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે વેઇટિંગ પિરીયડ ફરજિયાત નહીં હોવાનું હાઈકોર્ટે ઠરાવ્યું છે. પુનઃ મિલનની શક્યતા ના હોય તો કુલિંગ પીરીયડ જતો કરી શકાય છે તેમ હાઇકોર્ટે ચુકાદો આપતા ઠરાવ્યું છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માંગતા વ્યક્તિઓને રાહ જોવડાવી એ ન્યાયના હિતમાં નહીં હોવાનું ઠરાવ્યું છે. વર્ષ 2023માં લગ્ન કરેલા દંપતીએ છૂટાછેડાની અરજી કરતા ફેમિલી કોર્ટે અરજી ફગાવી હતી. ગુજરાત હાઇકોર્ટ ફેમિલી કોર્ટના હુકમને બદલે નવેસરથી નિર્ણય લેવા આદેશ આપ્યો છે.


છૂટાછેડાના કેસમાં બહુ મહત્ત્વનો ચુકાદો 

જો કે, પતિ-પત્ની બંને વચ્ચે કોઈ સંજોગોમાં સુમેળ સધાય તેમ જ ના હોય અને બંનેએ મક્કમતાપૂર્વક છૂટા પડવાનું નક્કી કર્યું હોય તો તેવા સંજોગોમાં છ મહિનાનો આ કૂલિંગ ઓફ પિરિયડ જતો કરી શકાય છે. ગુજરાત હાઈકોર્ટે સંમંતિપૂર્વકના આવા જ એક છૂટાછેડાના કેસમાં બહુ મહત્ત્વનો ચુકાદો આપતા સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે, સંમંતિપૂર્વકના છૂટાછેડા માટે છ મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ ફરજિયાત નથી.


ફેમીલી કોર્ટના હુકમને અયોગ્ય ગણાવી રદબાતલ ઠરાવ્યો 

જસ્ટિસ સંગીતા કે. વિશેણ અને જસ્ટિસ નિશા એમ. ઠાકોરની ખંડપીઠે આ અગત્યનો ચુકાદો આપતા એક દંપતીના પરસ્પર સંમંતિથી છૂટાછેડા માટેની અરજી કલમ-13બી હેઠળની નામંજૂર કરવાના ફેમીલી કોર્ટના હુકમને અયોગ્ય ગણાવી રદબાતલ ઠરાવ્યો હતો અને ઠરાવ્યું હતું કે, સંમંતિપૂર્વકના છૂટાછેડાના કિસ્સામાં છ મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ વેવ(જતો) કરી શકાય છે અને તે ફરજિયાત નથી. 


ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે જે કેસોમાં પતિ-પત્ની વચ્ચે સમાધાન શક્ય જ નથી અને તેઓ કોઈપણ સંજોગોમાં પરસ્પર સંમંતિથી છૂટાછેડા લેવા માંગે છે તેવા કિસ્સાઓમાં ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો છ મહિનાનો સમયગાળો વેવ ઓફ(જતો કરવામાં) અને છૂટાછેડા લેવામાં ઘણો ઉપયોગી સાબિત થશે.


બંને પક્ષોએ છૂટાછેડા માટે પરસ્પર સંમંતિ આપી છે

હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, જયારે પતિ-પત્ની(પક્ષકારો) વચ્ચે પુનઃમિલનનો કોઈ અવકાશ નથી. વળી, તેઓ હિન્દુ મેરેજ એકટની કલમ-13બી હેઠળ અરજી રજૂ કરવાની તારીખથી એક વર્ષ કરતાં વધુ સમયથી અલગ રહી રહ્યા છે. બંને પક્ષોએ છૂટાછેડા માટે પરસ્પર સંમંતિ આપી છે. તેથી કલમ-13બી(1)ની જોગવાઈ મુજબ, છ મહિનાનો સમયગાળો તેમ જ એક વર્ષનો સમયગાળો લગભગ પૂરો થઇ ગયો છે. 


પક્ષકારોની વિનંતી સ્વીકારવામાં ના આવે તો તેમની વેદના જ લંબાશે

સંબંધિત પક્ષકારો દ્વારા લેવામાં આવેલા વલણને ધ્યાનમાં લેતાં પણ તેમના પુનઃમિલન કે લગ્નજીવનના જોડાણની કોઇ શક્યતા નથી ત્યારે અદાલતના મતે, પક્ષકારોની વિનંતી સ્વીકારવામાં ના આવે તો તેમની વેદના જ લંબાશે. 


બંને પક્ષો યુવાન છે

બંને પક્ષો યુવાન છે અને પોતાની ઇચ્છા મુજબ, પોતાની કારકિર્દી આગળ વધારવા ઇચ્છુક છે. હાલના કેસમાં પક્ષકારોએ આ કોર્ટ સમક્ષ પણ સ્વીકાર્યું છે કે, તેઓએ આ કૂલિંગ ઓફ પિરિયડ વેવ(જતો) કરવા માટેની અરજી દાખલ કરી નથી. જો કે, તેઓ સંમંત છે કે, આજથી બે અઠવાડિયાના સમયગાળામાં તેઓ અરજી દાખલ કરશે. જેની પર ન્યાયના હિતમાં હિન્દુ મેરેજ એકટની કલમ-13બીને ધ્યાનમાં લઈને ફેમીલી કોર્ટે આ દંપત્તિને અરજી દાખલ કરવાની તક આપવી અને ત્યારબાદ કાયદાનુસાર તેમના છૂટાછેડા અંગે નિર્ણય લેવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application