BREAKING NEWS

ગુજરાતના DGP મલિકનો ઐતિહાસિક નિર્ણયઃ દરેક જિલ્લા-શહેરમાં તૈનાત કરાશે 'એન્ટી નાર્કોટિક્સ વિંગ'

  • September 06, 2026 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા ગુજરાતને સંપૂર્ણ 'ડ્રગ-ફ્રી' બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસે ડ્રગ માફિયાઓ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી છે. ગુજરાત પોલીસે માત્ર પોતાના રાજ્યમાં જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના યુવાધનને પણ નશાના રવાડે ચડતું અટકાવ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં દરેક જિલ્લા અને શહેરોમાં ડેડિકેટેડ 'એન્ટી નાર્કોટિક્સ વિંગ' કાર્યરત કરવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.


હાલમાં દરેક શહેર જિલ્લાઓમાં LCB/SOG/લોકલ પોલીસની ટીમ નશીલા પદાર્થ વિરુદ્ધ કેસીસ કરે છે. હવે આ કામ તેના ઉપરાંત ડેડીકેટેડ 'એન્ટી નાર્કોટિક્સ વિંગ' દ્વારા પણ કરવામાં આવશે. પાંચ વર્ષમાં ગુજરાત પોલીસે NDPS એક્ટ હેઠળ ૩,૭૦૦થી વધુ ગુના નોંધી ૫,૩૪૬ આરોપીઓની ધરપકડ કરી છે. આ સમયગાળા દરમિયાન આશરે રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુ કિંમતનો ૧.૩૬ લાખ કિલોગ્રામથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખવામાં આવી છે.

ડ્રગ્સ માફિયાઓ સામે ચાલી રહેલી આ જંગને વધુ તીવ્ર અને પરિણામલક્ષી બનાવવા માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા વધુ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય કક્ષાએ કાર્યરત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની જેમ હવે દરેક જિલ્લા અને કમિશનરેટ કક્ષાએ 'એન્ટી નાર્કોટિક્સ વિંગ' (ANW) સ્થાપવાનો આદેશ જારી કરાયો છે. એટલું જ નહીં, આગામી ૭ દિવસમાં આ તમામ યુનિટ્સ કાર્યરત કરી દેવાનો આદેશ અપાયો છે.

ANW યુનિટનું માળખું અને કાર્યપદ્ધતિ

- દરેક ANW યુનિટમાં ૧-પોલીસ ઇન્સ્પેક્ટર, ૧-પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ૨-ASI/હેડ કોન્સ્ટેબલ અને ૪-પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ ૮ સક્ષમ અધિકારી-કર્મચારીઓનું મહેકમ રહેશે. આ ટીમને અલાયદું વાહન અને ડ્રાઇવર ફાળવવામાં આવશે.

- જિલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષકના સીધા સુપરવિઝન હેઠળ આ યુનિટ કાર્ય કરશે. જ્યારે અમદાવાદ શહેરમાં ૨, સુરત શહેરમાં ૨, વડોદરા શહેરમાં ૧ અને રાજકોટ શહેરમાં ૧ યુનિટ જોઈન્ટ/એડિશનલ સીપીના સુપરવિઝન હેઠળ કામ કરશે.

- ANW એક 'સ્પેશિયલાઇઝ્ડ ટાસ્ક ફોર્સ' તરીકે માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર જ કામ કરશે. આ ટીમને અન્ય કોઈ કામગીરી સોંપાશે નહીં.

- ANTF દ્વારા સૂચિત ડ્રગ્સ પેડલરો અને હોટસ્પોટ્સ પર ANW સતત સર્વેલન્સ રાખશે અને ડ્રગ્સના રીઢા ગુનેગારો સામે PIT-NDPS હેઠળ અટકાયતી પગલાં ભરવા CID ક્રાઇમને દરખાસ્ત મોકલશે.

- ANWની રચના બાદ પણ સ્થાનિક પોલીસ સ્ટેશનોએ NDPS કેસો શોધવાના રહેશે. જો ANWની તપાસ દરમિયાન સ્થાનિક પોલીસની નિષ્કાળજી કે બેદરકારી જણાશે, તો કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત દેશનું રોલ મોડેલ

ડ્રગ રિવોર્ડ પોલિસી અને આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન: ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે ડ્રગ નેટવર્ક પકડનાર પોલીસકર્મીઓ અને બાતમીદારોને પ્રોત્સાહન આપવા ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ તથા જીવના જોખમે કામગીરી કરનાર જવાનો માટે ‘આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન’ નીતિ અમલી બનાવી છે.

AI આધારિત 'NARIT' સોફ્ટવેર: ડાર્ક વેબ, ફાઇનાન્સિયલ ટ્રેઇલ અને આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ પકડવા માટે દેશમાં સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સોફ્ટવેર તૈયાર કરી કોર્ટમાં કન્વિક્શન રેટ વધારવા વૈજ્ઞાનિક તપાસ હાથ ધરાઈ રહી છે.
 
માનવીય અભિગમ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુનેગારો સામે કડક કાર્યવાહી સાથે નશાના ભોગ બનેલા યુવાનો માટે સંવેદનશીલ બની રાજ્યભરના વ્યસનમુક્તિ કેન્દ્રોને આધુનિક બનાવી યોગ્ય કાઉન્સિલિંગ અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application