BREAKING NEWS

ગુજરાતના સરકારી કર્મચારીઓને જરૂર પડ્યે જ ઇંધણનો ઉપયોગ કરવા સૂચના

  • May 20, 2026 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાને લઈને ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓ માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્સચેન્જના વપરાશ અંગે સંયમ વર્તવા જણાવ્યું છે. તેમજ રાજ્યની તમામ સરકારી કચેરીઓના તમામ કર્મચારીઓને જાહેર કરાયેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાત સરકારના વહીવટી વિભાગના નાયબ સચિવે હાલની સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાને લઈને રાજ્યના સરકારી કર્મચારીઓ માટે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન કરવું. શક્ય હોય ત્યાં સુધી ટેકનોલોજીના ઉપયોગથી વીડિયો કોન્ફરન્સિંગ અથવા ઓનલાઇન માધ્યમ દ્વારા બેઠકો યોજવી. અનિવાર્ય સંજોગો સિવાય કોઈ પણ પ્રકારના વિદેશ પ્રવાસનું આયોજન કરવું નહીં. રાજ્યમાં અને કેન્દ્રમાં યોજાતી બેઠકો માટે બને ત્યાં સુધી ઓનલાઇન માધ્યમથી સહભાગી થવું અને પ્રત્યક્ષ પ્રવાસ ટાળવો. અધિકારી અને કર્મચારીએ શક્ય હોય ત્યાં સુધી સરકારી કામકાજ અર્થે જિલ્લા બહાર મુસાફરી ટાળવી અને જો મુસાફરી ખૂબ જરૂરી હોય તો પૂર્વે તેમના નિયંત્રણ અધિકારીની મંજૂરી મેળવવી. દરેક વહીવટી વિભાગ અને તેમની હેઠળના તંત્રોમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના વાહનો બિન વપરાશમાં મૂકવાના રહેશે. જો અધિકારી એકથી વધુ જગ્યાનો વધારાનો હવાલો સંભાળતા હોય તો તેઓને મળવા પાત્ર એક મુખ્ય વાહન સિવાયના અન્ય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે સરકારી વાહન પુલમાં જમા કરાવવાના રહેશે. સરકારી વાહનોમાં ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો. પર્યાવરણ જાળવણી અને ઇંધણ બચત માટે અધિકારી અને કર્મચારીઓએ શક્ય હોય ત્યાં સુધી ખાનગી વાહનોનો ઉપયોગ ટાળી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવો. તમામ સરકારી કેન્ટીનમાં આગામી છ મહિનામાં પીએનજી કનેક્ટિવિટી ફરજિયાત મેળવી લેવાની રહેશે. તમામ સરકારી સંસ્થાઓમાં સ્વદેશી ચીજ વસ્તુઓ સ્થાનિક ઉત્પાદન અને ભારતીય મૂળની સેવાઓને અગ્રતા આપવા ખરીદ નીતિઓ મજબૂત બનાવવાની રહેશે. ગભરાટમાં આવીને કરવામાં આવતી ખરીદી અને બિનજરૂરી સંગ્રહ કરી ન થાય તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવવાનું રહેશે. વિવિધ વિભાગો તથા તેઓના નિયંત્રણ હેઠળના ખાતાના વડા તાબાની કચેરીઓ દ્વારા યોજાતા કાર્યક્રમ સાદગીપૂર્ણ રીતે આયોજિત કરવા તેમજ લોકાર્પણના કાર્યક્રમો વર્ચ્યુઅલ પદ્ધતિથી કરવાનો આગ્રહ રાખવો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application