નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના ડેટા અનુસાર ઓગસ્ટ 2026માં નવા રોકાણકારોની નોંધણીમાં ગુજરાતે દેશના અન્ય રાજ્યોને પાછળ છોડી દીધા છે. ગુજરાતમાં એક જ મહિનામાં 2.3 લાખ નવા રોકાણકારો ઉમેરાયા હતા. ખાસ વાત એ છે કે દેશના ટોચના 10 જિલ્લાઓમાં ગુજરાતના 5 જિલ્લા અને ટોચના 20માં કુલ 10 જિલ્લા સામેલ થયા છે.
રાજકોટ, અમદાવાદ, સુરત, ભાવનગર, અને જૂનાગઢ દેશના ટોચના 10 જિલ્લાઓમાં સ્થાન પામ્યા હતા. જ્યારે મહેસાણા, વડોદરા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને જામનગર ટોચના 20માં રહ્યા હતા. એનએસઈના અહેવાલ મુજબ ગુજરાતમાં રોકાણકારોની ભાગીદારી માત્ર મોટા શહેરો પૂરતી સીમિત રહી નથી, પરંતુ વિવિધ જિલ્લાઓમાં નવા રોકાણકારોની સંખ્યામાં વધારો થયો છે.
જિલ્લાવાર આંકડામાં દિલ્હી-એનસીઆર 75,800 નવા રોકાણકારો સાથે પ્રથમ, મુંબઈ 53,300 સાથે બીજા અને અમદાવાદ 35,400 સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું. સુરતમાં 30,200 અને ભાવનગરમાં 26,800 નવા રોકાણકારોની નોંધણી થઈ હતી. બેંગલુરુમાં 19,500, રાજકોટમાં 18,800 અને જયપુરમાં 18,700 નવા રોકાણકારો ઉમેરાયા હતા.
એસોસિએશન ઓફ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઇન્ડિયા (એનએમઆઈ)ના ડિરેક્ટર વૈભવ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના 10 જિલ્લાઓનું ટોચના 20માં સ્થાન મેળવવું રાજ્યમાં શેરબજારમાં વ્યાપક ભાગીદારી દર્શાવે છે. તેમના મતે આઈપીઓની લહેરને કારણે નાના શહેરો અને જિલ્લાઓમાંથી પણ પ્રથમ વખત રોકાણ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે.
એનએસઈના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યામાં છેલ્લા વર્ષોમાં મોટો વધારો થયો છે. એફવાય2010ના અંતે રાજ્યમાં 14.98 લાખ નોંધાયેલા રોકાણકારો હતા. એફવાય2015માં આ સંખ્યા વધીને 20.55 લાખ અને એફવાય2020માં 37.97 લાખ થઈ હતી. એફવાય2027 સુધીમાં આ આંકડો 99.39 લાખ પહોંચ્યો હતો, જ્યારે ઓગસ્ટ 2026 સુધીમાં ગુજરાતમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા 1.15 કરોડ થઈ ગઈ છે.
રાજ્યવાર આંકડામાં ગુજરાતે ઓગસ્ટમાં ઉત્તર પ્રદેશને પાછળ છોડી સૌથી વધુ નવા રોકાણકારો ઉમેર્યા. ગુજરાતનો હિસ્સો દેશની કુલ નવી નોંધણીમાં 14.6% રહ્યો. ઉત્તર પ્રદેશ 2 લાખ નવા રોકાણકારો સાથે 12.9% અને મહારાષ્ટ્ર 1.6 લાખ સાથે 10.2% હિસ્સા સાથે આગળ રહ્યા. રાજસ્થાન 1.1 લાખ અને તમિલનાડુ 0.9 લાખ નવા રોકાણકારો સાથે અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે રહ્યા.
ગુજરાતમાં ઓગસ્ટ દરમિયાન નવા રોકાણકારોની નોંધણીમાં માસિક ધોરણે 94.8% અને વાર્ષિક ધોરણે 134.9%નો વધારો નોંધાયો છે. આથી ઓગસ્ટમાં ગુજરાતનું પ્રદર્શન દેશના રોકાણ બજારમાં ખાસ નોંધપાત્ર રહ્યું છે.