BREAKING NEWS

નેતાજીનો પીએ છું, હોટેલમાં ફસાયો છું... વોટસએપ કોલમાં આજીજી કરી ધારાસભ્ય પાસે રૂ.10 હજાર માગ્યા

  • November 24, 2026 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢના ધારાસભ્યને રાજકીય નેતાના પીએની ઓળખ આપી રૂ.૧૦ હજાર માગી નાણાકીય છેતરપિંડી કર્યાના પ્રયાસ થયો હતો. જોકે ધારાસભ્યની સાવચેતીના કારણે ગઠીયો ઈરાદામાં સફળ થયો ન હતો. ધારાસભ્યના પીએ એ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાયબર ગઠિયાઓ સામાન્ય માણસ તો ઠીક રાજકીય આગેવાનો અને નેતાઓને પણ નિશાનામાં લઈ રહ્યા છે. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાને રવિવારે રાત્રે આઠ વાગે મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો અને સામેથી હિન્દી ભાષામાં વાત કરતા શખ્સે રાષ્ટ્રીય નેતાના પીએ તરીકેનું નામ અને ફોટો રાખીને ફોન આવ્યો હતો અને વિશ્વાસમાં લેવા પ્રયાસ કર્યો હતો. અને તાત્કાલિક રૂ.૧૦ હજાર ટ્રાન્સફર કરવાની માગણી કરી હતી. અજાણ્યા શખ્સે જૂનાગઢની ક્લિક હોટલમાં પરિવાર સાથે આવ્યો છું અને હોટલ સંચાલકો રૂમ ફાળવતા ન હોવાથી પરિવાર પરેશાન થઈ રહ્યો છે. જેથી રૂમની વ્યવસ્થા કરવા માટે તાત્કાલિક રૂ.૧૦ હજાર મોકલી આપવા અરજ કરી હતી. ત્યારબાદ ગઠીયા એ ધારાસભ્યના વોટ્સએપ પર ક્યુઆરકોડ યુપીઆઇ સ્કેનર મોકલ્યું હતું અને તુરંત જ કેપૈસા ટ્રાન્સફર કરવા માટે અવારનવાર મેસેજ કર્યા હતા.

જૂનાગઢના ધારાસભ્યને શંકા જતા તેઓએ નાણા મોકલવાના બદલે હોટલમાં ખરાઈ કરાવી હતી, તો તપાસમાં આ પ્રકારે કોઈ વ્યક્તિ જ પરિવાર સાથે હોટલમાં

આવ્યો ન હોવાનું જાણ થઈ હતી. અને ગઠીયાએ મોકલેલું યુપીએ સ્કેનર પણ હોટલનું ન હોવાનું સામે આવતા સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. અને એક પણ

રકમ ટ્રાન્સફર કરી ન હતી. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાની સતર્કતાના કારણે ગઠિયો ઓનલાઈન ઠગાઈ કરવામાં નિષ્ફળ ગયો હતો.બી ડિવિઝનમાં ધારાસભ્યના સેક્રેટરી હર્ષ લાલજીભાઈ ગોઠીએ અજાણ્યા મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application