BREAKING NEWS

26 નવેમ્બરથી શાળાઓ ખુલશેઃ વિદ્યાર્થીઓના આગમન પહેલાં ‘સેફ્ટી ચેક’નો આદેશ

  • November 24, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિવાળી વેકેશન પૂર્ણ થવાના આરે છે ત્યારે રાજ્યભરની શાળાઓમાં ફરી શૈક્ષણિક માહોલ શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં 25 નવેમ્બરે દિવાળી વેકેશન પૂર્ણ થશે અને 26 નવેમ્બરથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થશે. જોકે, લાંબા સમય સુધી બંધ રહેલી શાળાઓમાં વિદ્યાર્થીઓ પરત ફરે તે પહેલાં તેમની સલામતી અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે. આ અંતર્ગત શાળાઓમાં ટાંકીથી લઈને ખુલ્લા વીજ વાયર સુધીની તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરી જરૂરી સમારકામ અને જાળવણીનાં કામ પૂર્ણ કરવા જણાવાયું છે.

વેકેશન દરમિયાન શાળાઓ લાંબા સમય સુધી બંધ રહેતી હોવાથી પરિસરમાં કેટલીક અસુરક્ષિત સ્થિતિ ઊભી થવાની શક્યતા રહે છે. આથી શાળા શરૂ થાય તે પહેલાં સેફ્ટી ચેકલિસ્ટ મુજબ તમામ બાબતોનું નિરીક્ષણ કરવાનું રહેશે. ખાસ કરીને વર્ગખંડો, કોરિડોર અને વિદ્યાર્થીઓની અવરજવર રહેતી જગ્યાઓમાં ખુલ્લા વીજ વાયર, તૂટેલા સ્વિચ બોર્ડ, વીજ જોડાણો તેમજ ઇલેક્ટ્રિકલ સાધનોની તપાસ કરવાની રહેશે. ક્યાંય શોર્ટસર્કિટ કે વીજ કરંટ લાગવાનું જોખમ ન રહે તેની ખાતરી કરવા પણ સૂચના અપાઈ છે.

આ ઉપરાંત શાળાઓમાં આવેલી પાણીની ટાંકીઓની સફાઈ અને તેની સ્થિતિની ચકાસણી કરવાની રહેશે. લાંબા સમયથી પાણીની ટાંકીનો ઉપયોગ ન થયો હોય તો તેમાં ધૂળ, કચરો કે અન્ય ગંદકી જમા થઈ હોવાની શક્યતા છે. તેથી ટાંકીની સફાઈ કરાવી વિદ્યાર્થીઓને સ્વચ્છ અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.

શાળાઓનાં શૌચાલય, હાથ ધોવાની જગ્યાઓ અને અન્ય સ્વચ્છતાની સુવિધાઓ પણ કાર્યરત અને સ્વચ્છ હોવી જરૂરી છે. વર્ગખંડોમાં બારીઓ, દરવાજા, પંખા, લાઇટ તથા વિદ્યાર્થીઓના બેસવાની વ્યવસ્થાની તપાસ કરવાની રહેશે. છતમાંથી પાણી ટપકતું હોય, દીવાલોમાં ભેજ હોય કે બાંધકામને લગતી કોઈ ખામી જણાય તો શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે પહેલાં સમારકામ કરાવવું પડશે.

રમતના મેદાનમાં પણ તૂટેલી વસ્તુઓ કે વિદ્યાર્થીઓ માટે જોખમી બને તેવી સ્થિતિનું નિરીક્ષણ કરવાનું રહેશે. આમ, 26 નવેમ્બરે શાળાઓ શરૂ થાય તે પહેલાં સલામતી, સ્વચ્છતા અને પાયાની સુવિધાઓની ચકાસણી પૂર્ણ કરીને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવાની જવાબદારી શાળાઓને સોંપવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application