BREAKING NEWS

જામનગર: કૌંભાડનો પુરાવો..૨૨ મહિનામાં જિલ્લામાં સૌથી વધુ ૩૪.૬૮ ટકા લગ્ન નોંધણી કાલાવડ તાલુકામાં !

  • November 24, 2026 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કૌંભાડનો પુરાવો..૨૨ મહિનામાં જિલ્લામાં સૌથી વધુ ૩૪.૬૮ ટકા લગ્ન નોંધણી કાલાવડ તાલુકામાં !

ઢાંકપીછોડો: જિલ્લાના ૬ પૈકી કાલાવડ તાલુકામાં વર્ષ-૨૦૨૫માં ૧૬૬૪ અને વર્ષ-૨૦૨૬માં ૧૦ મહીનામાં ૧૩૧૦ લગ્નની નોંધણીથી અનેક શંકા અને તરેહ-તરેહની ચર્ચા

નાગપુરના બહુચર્ચિત લગ્ન નોંધણી પ્રકરણમાં સુવ્યવસ્થિત નેટવર્ક: બેે-બે મહીના સુધી તપાસ કાગળ પર સીમીત રહેતા મીલીભગત કે કસૂરવારોને બચાવવાનો કારસો સળગતો સવાલ

કાલાવડ તાલુકાના ખોબા જેવડા નાગપુર ગામમાં ૩ મહીનામાં ૪૩૧ લગ્ન નોંધણી થતાં આ કથિત કૌંભાડમાં દરરોજ નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે, ત્યારે ૨૨ મહીનામાં જામનગર જિલ્લામાં સૌથી વધુ ૩૪.૬૮ ટકા થયેલી લગ્ન નોંધણી કૌંભાડના બોલતા પુરાવા સમાન છે.જિલ્લાના ૬ પૈકી કાલાવડ તાલુકામાં વર્ષ-૨૦૨૫માં ૧૬૬૪ અને વર્ષ-૨૦૨૬માં ૧૦ મહીનામાં ૧૩૧૦ લગ્નની નોંધણીથી અનેક શંકા અને આ સમગ્ર કૌંભાડ પાછળ સુવ્યવસ્થિત નેટવર્ક સહીત તરેહ-તરેહની ચર્ચા જોરશોરથી થઇ રહી છે. આમ છતાં બે-બે મહીના સુધી તપાસ કાગળ પર સીમીત રહેતા ઉચ્ચ અધિકારીઓની મીલીભગત કે કસૂરવારોને બચાવવાનો કારસો છે તે સળગતા સવાલની સાથે તપાસનો વિષય બન્યો છે. 

કાલાવડ તાલુકાના ૭૦૦ની વસ્તી અને ૧૭૦ ઘર ધરાવાતા નાનકડા એવા નાગપુર ગામે ૩ મહીનામાં ૪૩૧ લગ્ન નોંધતા સુવ્યવસ્થિત અને ચોકકસ નેટવર્ક દ્રારા ચાલતા લગ્ન નોંધણીના કૌંભાડથી જિલ્લાની સાથે રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે. આટલું જ નહીં પડધરીના એક વાલીએ પોતાની યુવતની લગ્નની નોંધણી નાગપુરમાં થઇ હોય કરેલી આરટીઆઇના જવાબમાં ખૂબજ ચોંકાવનારી હકીકતો ખૂલ્યા બાદ આ કથિત કૌંભાડમાં રોજ ચોંકાવનારા નવા ફણગા ફૂટવાની સાથે વળાંક આવી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં છેલ્લાં ૨૨ મહીનામાં તમામ તાલુકામાં પૈકી કાલાવડ તાલુકામાં નોંધાયેલા લગ્ન નોંધણીના આંકડા આ કથિત કૌંભાડના બોલતા પુરાવા સમાન છે. કારણ કે, જામનગર જિલ્લામાં વર્ષ-૨૦૨૫માં જાન્યુઆરીથી ડીસેમ્બર મહીના સુધીમાં ૬ તાલુકામાં કુલ ૫૧૯૫ લગ્ન નોંધાયા હતાં. જેમાં કાલાવડ તાલુકામાં સૌથી વધુ ૧૬૬૪ એટલે કે ૩૨.૦૩ ટકા લગ્ન નોંધાયા હતાં. આ જ રીતે વર્ષ-૨૦૨૬ એટલે ચાલુ વર્ષમાં જાન્યુઆરીથી ઓકટોબર એટલે કે ૧૦ મહીનાના સમયગાળામાં જિલ્લામાં કુલ ૩૩૭૯ લગ્ન ૬ તાલુકામાં નોંધાયા છે. જેમાં કાલાવડ તાલુકામાં સૌથી વધુ ૧૩૧૦ એટલે કે ૩૮.૭૬ ટકા લગ્ન નોંધાયા છે. નાગપુર તાલુકામાં લગ્ન નોંધણીનાા કથિત કૌંભાડ બાદ જિલ્લામાં ૨૨ મહીનામાં કાલાવડ તાલુકામાં સૌથી વધુ થયેલી લગ્ન નોંધણી અનેક શંકા અને સવાલો ઉભા કર્યા છે. 

આટલું જ નહીં કાલાવડ તાલુકામાં ૨૨ મહીનામાં નોંધાયેલા મહીના વાઇઝ લગ્ન નોંધણીના આંકડામાં પણ ભારે અને અસમાન્ય વધધટ જોવા મળી છે. કારણ કે, વર્ષ ૨૦૨૫માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહીનામાં ૧૦૦થી ઓછા તો માર્ચથી ડીસેમ્બર મહીના સુધીમાં ૧૦૦ થી ૨૬૦ સુધી લગ્ન નોંધાયા છે. આજ રીતે વર્ષ ૨૦૨૬માં જાન્યુઆરીથી જુલાઇ મહીના સુધીમાં ૧૩૫થી ૨૦૫ લગ્ન નોંધાયા છે, તો ઓગષ્ટથી ઓકટોબર મહીના સુધીમાં ૩૬ થી ૪૩ લગ્ન નોંધણી થઇ હોવાનું જિલ્લા પંચાયતના ચોપડે નોંધાયું છે. આમ લગ્ન નોંધણીની અસામાન્ય વધ-ઘટ ગંભીર તપાસનો વિષય બની છે. તદઉપરાંત નાગાજળ બાદ નાગપુર ગામે લગ્ન નોંધણીના ચકચારી પ્રકરણમાં ચોકકસ નેટવર્ક કામ કરી રહ્યું હોય મોટભાગના બહારગામ એટલે અન્ય શહેરોના યુગલોની હાજરી વગર મસમોટા નાણાંના ઉઘરાણાં કરી લગ્નની નોંધણી કરવામાં આવી હોવાનું પણ જોરશોરથી ચર્ચાઇ રહયું છે. આમ છતાં આ ગંભીર અને પંચાયતની શાખને બટ્ટો લગાવનાર પ્રકરણની તપાસ સ્થાનિક કક્ષાએ સોંપવામાં આવી છે. જેનો હજુ સુધી કોઇ અહેવાલ આવ્યો નથી તો આ પ્રકરણમાં કસૂરવારો સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી નથી. ત્યારે  જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં ન આવતા તથા અલગથી તપાસ સમિતિની રચના કરવામાં ન આવતા શું કૌંભાડીઓને છાવરવામાં આવી રહ્યા છે કે મીલીભગત છે તે પણ ગંભીર તપાસનો વિષય બન્યો છે. 

ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણીની પ્રક્રીયા, યુગલ, સાક્ષી, ગોરમહારાજે રૂબરૂ હાજર રહી સહી કરવી ફરજીયાત
ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણી માટે તલાટી કમ મંત્રીને અરજી કરવાની હોય છે. લગ્ન નોંધણીના નિયમ મુજબ લગ્ન કરનાર યુવક-યુવતી બંનેએ નિયત ફોર્મ ભરી બંનેના જન્મના દાખલા, આધારકાર્ડ, લગ્નનો ફોટો, લગ્નની કંકોત્રી, રૂ.૨૦૦ અથવા રૂ.૧૦૦-૧૦૦ના બે સ્ટેમ્પ કે ટીકીટ, ગામના બે સાક્ષીના આધારકાર્ડ, ગોરમહારાજનું આધારકાર્ડ રજૂ કરવાનું રહે છે. આટલું જ નહીં યુગલોની સાથે બંને સાક્ષી અને ગોરમહારાજે તલાટી કમ મંત્રી સમક્ષ રૂબરૂ હાજર રહી સહી કરવાની હોય છે. બાદમાં તલાટી કમ મંત્રી દ્વારા તમામ દસ્તાવેજોની ચકાસણી કરી લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવે છે. 

તપાસમાં સમય લાગશેનું ટીડીઓનું રટણ, ઉચ્ચ અધિકારીઓનું મૌન, જિ.પં.ના સદસ્યોની ચૂપકીદી, પ્રકરણ ભીનું સંકેલવાની પેરવી કે શું?
કાલાવડના નાગપુરના બહુચર્ચિત લગ્ન નોંધણી કૌંભાડથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે, ત્યારે ફકત તલાટી કમ મંત્રીની બદલી કરી સંતોષ માની લેવાયો છે. નવાઇની વાત તો એ છે કે, કાલાવડ તાલુકાના અન્ય એક ગામમાં પણ ૧૦૦૦ જેટલા લગ્નની નોંધણી આ પૂર્વે થતાં અને જે તલાટીની બદલી થઇ છે ત્યાં ફરજ બજાવતા હોય આ અંગે જિલ્લા પંચાયત દ્વારા તપાસનો અહેવાલ આપવા ટીડીઓને આદેશ કરાયો હતો. આટલું જ નહીં ત્રણ-ત્રણ વખત તપાસનો અહેવાલ આપવા પત્ર પાઠવી રીમાઇન્ડર પણ કરાયા હતાં. આમ છતાં હજુ તપાસ પૂર્ણ થઇ નથી. આટલું જ નહીં તપાસમાં હજુ પણ સમય લાગશેનું એક જ રટણ ટીડીઓ કરી રહ્યા છે, તો ઉચ્ચ અધિકારીઓનું સમગ્ર કૌંભાડ મામલે સૂચક મૌન અને બે દીવસમાં પુન: તપાસ અહેવાલ સોંપવાનો આદેશ કરી સંતોષ માની લેતા રાજયમાં ચર્ચાનો મુદો બનેલું લગ્ન નોંધણીનું કથિત કૌંભાડ ભીનું સંકેલવાની પેરવી તો નથી ને તે મુદો પણ તપાસનો વિષય બન્યો છે. નવાઇની વાત તો એ છે કે, જિલ્લા પંચાયતના સદસ્યોે પણ આ મામલે ચૂપકીદી સેવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application