અમદાવાદ શહેરના સરખેજ-ગ્યાસપુર વિસ્તારમાં કેનાલ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આશરે 80 જેટલાં ઝૂંપડાં બળીને ખાક થઈ ગયાં હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર સામે આવ્યા નથી. જોકે, એક જ સમયે બે અલગ-અલગ જગ્યાએ આગ લાગી હોવાથી કોઈ અસામાજિક તત્ત્વોએ જાણીજોઈને આગ લગાવી હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને પોલીસે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
બનાવની વિગતો મુજબ, સરખેજ-ગ્યાસપુર કેનાલ પાસે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં જ સ્થાનિક રહીશોમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. ઝૂંપડપટ્ટીમાં જ્વલનશીલ સામગ્રી અને નજીક-નજીક આવેલા ઝૂંપડાંને કારણે આગે ગણતરીની મિનિટોમાં ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું, જેના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ પોતાના ઘરવખરી અને સામાન બચાવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ આગની તીવ્રતા એટલી વધારે હતી કે આશરે 80 ઝૂંપડાં તેની લપેટમાં આવીને બળી ગયાં હતાં. અસરગ્રસ્ત પરિવારોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે.
નોંધનીય છે કે થોડા મહિના અગાઉ પણ આ જ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ફરી એકવાર એ જ સ્થળે આગ લાગવાની ઘટના બનતાં સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા સાથે રોષની લાગણી પણ જોવા મળી રહી છે. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે રહેવાસીઓની સલામતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને સ્થાનિકો દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટના અંગે અમદાવાદ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ચીફ મિથુન મિસ્ત્રીએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શંકા વ્યક્ત કરી છે કે આ આગ સામાન્ય અકસ્માત કે કુદરતી ઘટના ન હોઈ શકે. ઇન્ચાર્જ ફાયર ચીફ મિથુન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ગ્યાસપુર પાસે કેનાલના બે અલગ-અલગ ઝૂંપડાઓમાં એકસાથે આગ લાગી હતી અને એક જ સમયે બે અલગ સ્થળોએ આપમેળે આગ લાગવી શક્ય નથી. ફાયર વિભાગની કુલ આઠ ગાડીઓએ સતત કામગીરી કરીને આગને કાબૂમાં લીધી હતી અને આશરે 80 ઝૂંપડાં બળી ગયાં હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયર વિભાગ દ્વારા બનાવની શંકાસ્પદ સ્થિતિ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ, સ્થાનિક વિસ્તારમાં પણ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કોઈ અસામાજિક તત્ત્વોએ ઇરાદાપૂર્વક આગ લગાવી હોઈ શકે છે. હાલ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ લાગવાના ચોક્કસ કારણો શોધવા તેમજ કોઈ અસામાજિક તત્ત્વોની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ અને ફોરેન્સિક વિગતો બાદ જ આગ લાગવાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે, જ્યારે અસરગ્રસ્ત પરિવારોને જરૂરી મદદ અને રાહત મળે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.