BREAKING NEWS

બોલો લ્યો...રેલવેના હાવરા ડિવિઝનના ડીઆરએમ પણ NFSAની રાશનકાર્ડ યાદીમાં!, રેલવે વર્તુળોમાં ચકચાર

  • November 24, 2026 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ રેલવે ડિવિઝનના ૭૭૪ કર્મચારીઓ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) હેઠળના રાશનકાર્ડ ધારકોની સરકારી યાદીમાં હોવાનું 'આજકાલ' દ્વારા તા. ૧૮ નવેમ્બરના અહેવાલમાં ઉજાગર કરવામાં આવ્યા બાદ રેલવેના કાર્મિક વિભાગમાં દોડધામ મચી છે. આ યાદીમાં સામેલ કર્મચારીઓ પાસેથી સેલ્ફ ડિકલેરેશન કમ અંડરટેકિંગ મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરમિયાન પૂર્વ રેલવે ઝોનના હાવરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) વિશાલ કપૂરનું નામ પણ NFSA હેઠળના રાશનકાર્ડની યાદીમાં હોવાનું બહાર આવતાં રેલવે વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, ભારતીય રેલવેના આશરે ૧.૮૨ લાખથી વધુ કર્મચારીઓનાં નામ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના રાશનકાર્ડની સરકારી યાદી સાથે મેચ થતાં કેન્દ્રીય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ અંગે રેલવે મંત્રાલયને પત્ર પાઠવી ખરાઈ કરવા જણાવાયું હતું. તેના અનુસંધાને રેલવે બોર્ડ દ્વારા દેશના તમામ રેલવે ઝોનને સંબંધિત વિગતો એકત્ર કરવાની સૂચના આપવામાં આવી છે. ડિવિઝનવાર માહિતી મેળવી તા. ૧૫ ડિસેમ્બર સુધીમાં ઝોનલ કચેરીને અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ અપાયો છે.


રાજકોટ ડિવિઝનમાં યાદીમાં સામેલ ૭૭૪ કર્મચારીઓમાં પાંચ ગેઝેટેડ અધિકારીઓનાં નામ પણ હોવાનું અગાઉ બહાર આવ્યું હતું. આ અધિકારીઓમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર સંજીવકુમાર, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (કોઓર્ડિનેશન) નરેન્દ્રસિંહ, મેડિકલ વિભાગના આસિસ્ટન્ટ ડિવિઝનલ મેડિકલ ઓફિસર નોનબરસન એ., સિગ્નલ એન્ડ ટેલિકોમ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર દિલીપ જૈન તથા એકાઉન્ટ્સ વિભાગના આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર દેવીસિંહનો સમાવેશ થાય છે. આ ગેઝેટેડ અધિકારીઓ અનુક્રમે પગારના લેવલ ૮, ૧૩, ૧૦, ૮ અને ૯માં ફરજ બજાવે છે. ખાસ કરીને ઉચ્ચ પગારધોરણ ધરાવતા અધિકારીઓનાં નામ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટેની રાશનકાર્ડ યોજનાની યાદીમાં સામે આવતાં આ મામલો વધુ ગંભીર બન્યો છે. હવે હાવરા ડિવિઝનના ડીઆરએમ વિશાલ કપૂરનું નામ પણ યાદીમાં હોવાનું બહાર આવતાં દેશભરમાં રેલવે કર્મચારીઓના રાશનકાર્ડની ખરાઈની કાર્યવાહી કયા તબક્કે પહોંચે છે અને તપાસમાં શું હકીકત બહાર આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application