ઈરાન સાથેના વધી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ખાડી દેશો (Gulf Countries) વચ્ચેના આંતરિક મતભેદો અને તિરાડ સપાટી પર આવી ગયા છે. એક તરફ સંયુક્ત આરબ અમીરાત (UAE) ઈરાન વિરુદ્ધ તમામ ખાડી દેશોને એકજૂથ કરીને સૈન્ય કાર્યવાહી કરવા ઈચ્છતું હતું, તો બીજી તરફ સાઉદી અરેબિયા અને કતાર સહિતના અન્ય દેશોએ આ યુદ્ધથી સ્પષ્ટ અંતર જાળવી રાખ્યું છે. બ્લૂમબર્ગના એક સનસનાટીપૂર્ણ અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે કે આ મુદ્દે ખાડી દેશોના સંબંધોમાં ભારે તણાવ પેદા કર્યો છે.
UAE ના રાષ્ટ્રપતિની અપીલ સાઉદીએ ફગાવી
અહેવાલ અનુસાર, ૨૮ ફેબ્રુઆરીના રોજ જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલા શરૂ કર્યા, ત્યાર બાદ UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન ખૂબ જ સક્રિય થઈ ગયા હતા. તેમણે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) સહિત ખાડી દેશોના અનેક નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી હતી.
UAE નું માનવું હતું કે જો તમામ ખાડી દેશો એક થઈને સૈન્ય જવાબ આપશે તો ઈરાન પર દબાણ વધશે અને તે ભવિષ્યમાં હુમલા કરતા ડરશે. UAE ના રાષ્ટ્રપતિએ ૧૯૮૧માં GCC (ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ) ની સ્થાપના પાછળના ઈરાનિયન ખતરાનો પણ હવાલો આપ્યો હતો. પરંતુ સાઉદી અરેબિયા આ સ્થિતિને વધુ વણસાવવા નહોતું માંગતું, તેથી તેણે સૈન્ય કાર્યવાહીના બદલે માત્ર સુરક્ષા અને બચાવની નીતિ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું.
ઈરાને UAE પર વરસાવી ૩,૦૦૦ મિસાઈલો, અર્થતંત્ર ખોરવાયું
અમેરિકા અને ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાને ખાડી દેશો પર સેંકડો ડ્રોન અને મિસાઈલો દાગી હતી, જેમાં સૌથી વધુ નિશાન UAE બન્યું હતું. ઈરાને UAE પર અંદાજે ૩,૦૦૦ થી વધુ ડ્રોન અને મિસાઈલ છોડ્યા હતા, જોકે એર ડિફેન્સ સિસ્ટમે મોટાભાગના હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. ગયા અઠવાડિયે જ ઈરાને UAE ના ફુજૈરાહ ઓઈલ પોર્ટ પર પણ મોટો હુમલો કર્યો હતો. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) બંધ થવાને કારણે ખાડી દેશોને તેલ અને ગેસનું ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી હતી, જેનાથી તેમની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. એરપોર્ટ, હોટેલ્સ અને રહેણાંક વિસ્તારો પણ આ હુમલાની ઝપેટમાં આવ્યા હતા.
સાઉદી સાથે વધ્યો વિવાદ
સાઉદી અરેબિયાના નકારાત્મક વલણ બાદ, માર્ચ અને એપ્રિલ મહિનામાં UAE એ એકલા હાથે જ ઈરાન પર કેટલાક મર્યાદિત સૈન્ય હુમલા કર્યા હતા. UAE ના આ પગલાથી સાઉદી અને UAE વચ્ચેના સંબંધો વધુ બગડ્યા છે. બંને દેશો વચ્ચે યમન અને સુદાન જેવા મુદ્દાઓ પર પહેલાથી જ મતભેદ ચાલી રહ્યા હતા. આ દરમિયાન UAE એ એક આંચકાજનક મોટો નિર્ણય લેતા તેલ ઉત્પાદક દેશોના સંગઠન OPEC માંથી બહાર નીકળવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય પાછળ ઈરાન યુદ્ધ અને ખાડી દેશોનો આંતરિક અસંતોષ જવાબદાર માનવામાં આવે છે.
ઈઝરાયેલે કરી UAE ની મદદ
આ સંકટના સમયે ઈઝરાયેલ અને UAE એ સાથે મળીને કામ કર્યું છે. બંને દેશોએ ગુપ્ત માહિતી (Intelligence) શેર કરી છે. એટલું જ નહીં, ઈઝરાયેલે UAE ની રક્ષા માટે પોતાની પ્રખ્યાત 'આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ' અને સૈનિકો પણ મોકલ્યા છે.
અમેરિકાનું દબાણ છતાં કતાર-કુવૈત કેમ પાછળ હટ્યા?
અહેવાલો મુજબ, અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રે સાઉદી અરેબિયા અને કતાર પર દબાણ કર્યું હતું કે તેઓ પણ ઈરાન વિરુદ્ધ સંયુક્ત સૈન્ય મોરચામાં સામેલ થાય. પરંતુ આ દેશોને ડર હતો કે જો તેઓ સીધા યુદ્ધમાં કૂદશે, તો ઈરાન તેમની ધરતી પર આવેલા અમેરિકી સૈન્ય મથકો (US Military Bases) ને નિશાન બનાવી શકે છે.
બીજી તરફ કતાર, કુવૈત, બહેરીન અને ઓમાને યુદ્ધથી અંતર જાળવ્યું છે. કતારે પોતાના ગેસ પ્લાન્ટ પર થયેલા હુમલા બાદ એક સમયે વળતો પ્રહાર કરવાનું વિચાર્યું હતું, પરંતુ બાદમાં તેણે યુદ્ધના બદલે રાજદ્વારી રીતે તણાવ ઓછો કરવાનો રસ્તો પસંદ કર્યો. ખાડી દેશોની આ આંતરિક ખેંચતાણ આગામી સમયમાં પશ્ચિમ એશિયાના રાજકારણને કઈ તરફ દોરી જશે, તેના પર હવે સમગ્ર વિશ્વની નજર છે.