સોશિયલ મીડિયાના યુગમાં વાયરલ થતી અફવાઓ અને ભ્રામક માહિતી સામે રાજ્ય સરકાર હવે ભારે આક્રમક મોડમાં આવી ગઈ છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને અપ્રમાણિત માહિતી ફેલાવનારા તત્વો સામે આકરા કાયદાકીય પગલાં લેવા માટે પોલીસ તંત્રને સ્પષ્ટ અને કડક સૂચનાઓ આપી દીધી છે. કોઈપણ માહિતીની સત્યતા કે ખરાઈ કર્યા વગર તેને પબ્લિક ડોમેન કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરનારા લોકો સામે હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સરકારના આ કડક વલણ વચ્ચે એક મહત્વપૂર્ણ કાયદાકીય કિસ્સો સામે આવ્યો છે, જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિવાદિત પોસ્ટ કરનાર એક 'એક્સ' યુઝર સામે ગુનો નોંધ્યો છે. આ યુઝરે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અંગે કથિત રીતે પાયાવિહોણી અને ખોટી માહિતી રજૂ કરી હતી. પોસ્ટમાં એવો પાયાવિહોણો દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં ટૂંક સમયમાં મોટો રાજકીય ફેરફાર થશે, જેમાં હર્ષ સંઘવીને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવશે અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ બનાવવામાં આવશે.
આવા કિસ્સાઓથી રાજ્યના નાગરિકોમાં ગેરસમજ, અસંતોષ કે ગભરાટનું વાતાવરણ ઊભું થતું હોવાથી તંત્રે તેને ગંભીરતાથી લીધું છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવીને લોકોમાં ગેરસમજ ઊભી કરનારાઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. આ સાથે જ સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ અપ્રમાણિત કે શંકાસ્પદ મેસેજ, ફોટો કે વિડીયોને ચકાસ્યા વિના અન્યો સાથે શેર કે વાયરલ ન કરે.
ડિજિટલ પ્લેટફોર્મ પર અફવાઓનું પ્રમાણ વધતાં હવે પોલીસ વિભાગ દ્વારા એફઆઈઆર નોંધવા સહિતની કડક ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. તંત્રનું સ્પષ્ટપણે માનવું છે કે વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં કોઈપણ વ્યક્તિને સમાજમાં ભ્રામક માહિતી ફેલાવવાની છૂટ આપી શકાય નહીં. આગામી સમયમાં સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે સાયબર સેલને પણ વધુ સક્રિય કરવામાં આવ્યો છે, જેથી આવી અફવાઓ ફેલાવનારાઓ પર તાત્કાલિક લગામ કસી શકાય.