BREAKING NEWS

ટેકનોલોજી વિના પણ અકબંધ રહેતું સ્વાસ્થ્ય: આપણા પૂર્વજોની ખોરાક સાચવવાની ૭ અદભુત દેશી પદ્ધતિઓ

  • May 27, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


થોડીવાર માટે પણ ફ્રિજ બંધ થઈ જાય, તો રાંધેલો ખોરાક, દૂધ અને શાકભાજી બગડી જવાની ચિંતા સતાવે છે. વર્તમાન સમયમાં રેફ્રિજરેટર દરેક રસોડાની અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે વીજળી કે ફ્રિજ જેવી સુવિધાઓ નહોતી, ત્યારે આપણા વડીલો ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભોજનને કેવી રીતે તાજું રાખતા હતા? પ્રાકૃતિક વિજ્ઞાન અને હવામાનની ઊંડી સમજણ ધરાવતા આપણા પૂર્વજો એવી અકસીર અને દેશી તકનીકોનો ઉપયોગ કરતા હતા, જેનાથી ખોરાક લાંબા સમય સુધી બગડતો નહોતો. આજે પણ ભારતના ગ્રામીણ અને પહાડી વિસ્તારોમાં આ પર્યાવરણપ્રેમી અને સસ્તી પદ્ધતિઓ લોકપ્રિય છે. 


આવો જાણીએ આવી જ ૭ અદભુત દેશી રીતો વિશે
માટીના વાસણોનો જાદુ
પ્રાચીન સમયમાં માટીના ઘડા કે મટકાનો ઉપયોગ માત્ર પાણી ઠંડું કરવા માટે જ નહીં, પણ દૂધ, દહીં, છાશ અને રાંધેલા ભાતને સાચવવા માટે થતો હતો. માટીની કુદરતી ઠંડક અને બાષ્પીભવનની પ્રક્રિયાને કારણે વાસણની અંદરનું તાપમાન નીચું રહે છે. ગ્રામીણ વિસ્તારોમાં આ વાસણોની આસપાસ ભીનું કપડું વીંટાળીને લાંબા સમય સુધી ઠંડક જાળવી રાખવામાં આવતી હતી.
'ઝીર પોટ' (કુદરતી રેફ્રિજરેટર)
આફ્રિકા અને મધ્ય-પૂર્વના દેશોની જેમ ભારતના ગરમ વિસ્તારોમાં પણ આ તકનીક જાણીતી છે. આમાં એક મોટા માટીના વાસણની અંદર નાનું વાસણ રાખવામાં આવે છે અને બંને વચ્ચેની ખાલી જગ્યામાં ભીની રેતી ભરી દેવામાં આવે છે. ઉપરથી ભીનું કપડું ઢાંકવામાં આવે છે. રેતીનું પાણી સુકાવાની પ્રક્રિયા દરમિયાન અંદર કુદરતી ઠંડક પેદા થાય છે, જેમાં ફળ, શાકભાજી અને દૂધ બે દિવસ સુધી એકદમ તાજા રહે છે.
વહેતા પાણીનો આશ્રય
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં કુદરતી ઝરણાં અને વહેતી નદીના પાણીનો ઉપયોગ થતો હતો. ખોરાકના વાસણો કે વાંસની ટોપલીઓને વહેતા પાણીની ઉપર અથવા નજીક લટકાવી રાખવામાં આવતી હતી. પાણીની શીતળતા અને સતત મળતી શુદ્ધ હવાના કારણે ભેજનું પ્રમાણ નિયંત્રિત રહેતું હતું અને બેક્ટેરિયા પનપતા નહોતા.
મીઠું અને સૂર્યપ્રકાશ (સૂકવણી)
ફ્રિજની શોધ પહેલાં ખોરાકને લાંબો સમય સાચવવાની આ સૌથી પ્રચલિત રીત હતી. શાકભાજી, કેરી, માછલી કે માંસને મીઠું લગાવીને તડકામાં સૂકવી દેવામાં આવતા હતા. સૂર્યની ગરમીથી ખોરાકનો ભેજ ઉડી જતો અને મીઠું કીટાણુઓનો નાશ કરતું હતું. આજે પણ આપણા ઘરોમાં અથાણાં, પાપડ, વડી કે સૂકી કેરી (આમચૂર) આ જ પદ્ધતિથી વર્ષભર સુરક્ષિત રાખવામાં આવે છે.
ભૂગર્ભ સંગ્રહ (જમીનની અંદર ભંડારણ)
કાશ્મીર અને નેપાળ જેવા ઠંડા પ્રદેશોમાં લોકો જમીનની અંદર ઊંડા ખાડા કરીને બટાકા, ડુંગળી અને ગાજર જેવા કંદમૂળ તેમજ અનાજનો સંગ્રહ કરતા હતા. ભૂગર્ભમાં તાપમાન હંમેશાં સામાન્ય અને સ્થિર રહેતું હોવાથી આ વસ્તુઓ મહિનાઓ સુધી બગડતી નથી.
રાખ અને ડાંગરના ફોતરાં (ભૂસી)
મહારાષ્ટ્ર અને ઓડિશાના ગ્રામીણ વિસ્તારોમાં આદુ, હળદર, લસણ અને શક્કરિયાને લાકડાની સૂકી રાખ અથવા ડાંગરના ફોતરાં (ભૂસી) ની અંદર દબાવીને રાખવાની પરંપરા છે. રાખ કુદરતી રીતે ભેજને શોષી લે છે અને જીવાતોને દૂર રાખે છે, જેથી શાકભાજી સડતા નથી.
આથો લાવવાની પ્રક્રિયા (ફર્મેન્ટેશન)
હિમાલયના વિસ્તારોમાં શાકભાજીને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે આથો લાવવાની દેશી પદ્ધતિ અપનાવવામાં આવતી હતી. શાકભાજીને મીઠું અને ખાસ મસાલાઓ સાથે એર-ટાઈટ (બંધ) વાસણમાં રાખવામાં આવતી, જેથી તેમાં કુદરતી ફર્મેન્ટેશન શરૂ થતું. આનાથી ખોરાક સુરક્ષિત રહેવાની સાથે તેનો સ્વાદ અને પૌષ્ટિકતા પણ વધી જતા હતા.આપણા પૂર્વજોની આ વૈજ્ઞાનિક અને ટકાઉ જીવનશૈલી સાબિત કરે છે કે પ્રકૃતિ સાથે સુમેળ સાધીને જીવવાથી ગમે તેવી કાળઝાળ ગરમીમાં પણ સંસાધનો વિના સ્વસ્થ રહી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News