ભારતના મોટાભાગના વિસ્તારો હાલમાં ભીષણ ગરમી અને હીટવેવની લપેટમાં આવી ગયા છે. ભારતના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૭ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે. આ આકરી ગરમીને જોતા ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 'ભીષણ લૂ' માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ૨૦૨૪ દરમિયાન દેશમાં કાળઝાળ ગરમી અને લૂ લાગવાને કારણે ૧,૮૩૨ લોકોએ જીવ ગુમાવ્યા હતા. છેલ્લા બે દાયકામાં લૂના કારણે થયેલા મોતનો આ સૌથી મોટો આંકડો છે. આ અગાઉ વર્ષ ૨૦૧૫માં ગરમીના કારણે ૧,૯૦૮ લોકોના મોત થયા હતા. પુરુષો પર હીટવેવનું સૌથી વધુ જોખમ આંકડા દર્શાવે છે કે લૂ નો ભોગ બનનારાઓમાં મહિલાઓ કરતાં પુરુષોની સંખ્યા નોંધપાત્ર રીતે વધારે છે. રોજગારી મેળવવા બહાર નીકળતા ૩૦ થી ૫૯ વર્ષની વયના આશરે ૧,૧૦૦થી વધુ પુરુષોના મોત થયા હતા. મુખ્ય કારણ:- પુરુષો રોજગાર માટે લાંબો સમય તડકામાં વિતાવે છે અને શારીરિક શ્રમ કરે છે. યુવાનોમાં તફાવત:- ૧૮ થી ૨૯ વર્ષના વયજૂથમાં ૧૫૨ પુરુષો સામે માત્ર ૨૩ મહિલાઓના મોત નોંધાયા છે ૨૯ મેથી ગરમીમાં આંશિક રાહતની સંભાવના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૯ મેથી તાપમાનમાં ધીમે-ધીમે ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. જોકે, ગંભીર બીમારીઓ અને હીટસ્ટ્રોકથી બચવા માટે લોકોને બપોરના સમયે સીધા તડકામાં ન નીકળવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.