રાજ્યમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી સાચી સાબિત થતી દેખાઈ રહી છે. આજે 30 ઓક્ટોબરે બપોર બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો. ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં તેજ પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક જગ્યાએ નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. અચાનક વરસેલા આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.
કોડીનાર અને ગીર ગઢડા પંથકમાં તારાજી
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે તેજ પવન ફૂંકાવાને કારણે એક ખેડૂતના મકાનના પતરા ઉડી ગયા હતા, જેનાથી ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત ગામની ફાટક પાસે આવેલા પેટ્રોલપંપના સ્ટ્રક્ચરને પણ પવનના કારણે નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ ગીર ગઢડા તાલુકાના જંગલ બોર્ડર નજીક આવેલા મોતીસર, નિતલી વડલી, નગડિયા અને જશાધાર થોરડી સહિતનાં ગામોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના આ તાંડવથી ખેતરોમાં તૈયાર થયેલા પાકને વ્યાપક નુકસાન થવાની પૂરી ભીતિ સેવાઈ રહી છે.
અમરેલીમાં વૃક્ષો પડવાથી હાઇવે પર વાહનવ્યવહાર ઠપ
અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ખાંભા-ઉના સ્ટેટ હાઇવે પર તેજ પવનના કારણે માર્ગ પર મોટા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જેને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો અને હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જોકે, બાદમાં સ્થાનિક ગ્રામજનો અને સતર્ક વાહનચાલકોએ જાતે જ આગળ આવીને રસ્તા પરથી વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે વરસાદના કારણે હનુમાનપુર ગામની શેરીઓમાં પણ પાણી વહેતાં થયાં હતાં.
સાબરકાંઠામાં પણ કમોસમી માવઠું
સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પણ કાળઝાળ ગરમી બાદ હવામાનમાં પલટો આવ્યો હતો. આજે બપોર બાદ પોશીના, ઈડર અને હિંમતનગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી માવઠું પડ્યું હતું. વહેલી સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાયા હતા અને બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા વરસ્યા હતા.
ઈડર તાલુકાના દરામલી, નેત્રામલી, ઈસરવાડા અને ભદ્રેસર સહિતના ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા, જ્યારે હિંમતનગર શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. હિંમતનગર તાલુકાના હિંમતપુર, ઉમિયાનગર અને મહાદેવપુરા તેમજ પોશીના અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. અચાનક બદલાયેલા આ વાતાવરણથી ખેડૂતોની ચિંતા ચરમસીમાએ પહોંચી ગઈ છે કારણ કે હાલ ખેતરોમાં પાક તૈયાર થવાની કે કાપણીની મોસમ ચાલી રહી છે.