બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના વહીવટ અને સત્તાના સંઘર્ષમાં એક નવો વળાંક આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં યોજાયેલી બીસીએની ચૂંટણી મામલે ઐતિહાસિક ચુકાદો આપતા પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરે સહિત ચાર મુખ્ય ઉમેદવારોને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કર્યા છે. આ ચુકાદાથી વડોદરાના ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને રદબાતલ ઠેરવ્યો છે. અદાલતે જે ચાર ઉમેદવારોને અયોગ્ય જાહેર કર્યા છે જેમાં કિરણ મોરે (પૂર્વ ભારતીય ક્રિકેટર અને રિવાઇવલ જૂથના પ્રમુખ પદના ઉમેદવાર), અમુલ જીકાર (રિવાઇવલ જૂથના સેક્રેટરી પદના ઉમેદવાર), અનંત ઇન્દુલકર (રોયલ-સત્યમેવ જયતે ગઠબંધનના સેક્રેટરી પદના ઉમેદવાર) અને અમર પેટીવાલા (રોયલ-સત્યમેવ જયતે ગઠબંધનના ટ્રેઝરર (ખજાનચી) પદના ઉમેદવાર)નો સમાવેશ થાય છે.
બીસીએની સત્તા મેળવવા માટે વિવિધ જૂથો વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. 15 ફેબ્રુઆરીના રોજ પ્રમુખ સહિત કુલ 31 હોદ્દાઓ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં 'રોયલ' અને 'સત્યમેવ જયતે' જૂથના ગઠબંધન સામે 'રિવાઇવલ' જૂથ મેદાનમાં હતું. આ ચૂંટણીમાં કુલ 2063 સભ્યોમાંથી 1430 સભ્યોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું, પરંતુ હવે પરિણામો પર કાયદાકીય ગ્રહણ લાગ્યું છે. રોયલ સત્યમેવ જયતે ગ્રુપ અને રિવાઇવલ ગ્રુપના 62 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા છે.
જોકે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રિટર્નિંગ ઓફિસર દ્વારા કેટલાક ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા, જેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. વડોદરાના પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. અરજદારોનો મુખ્ય આક્ષેપ હતો કે આ ઉમેદવારો ચૂંટણી લડવા માટેના નિયત માપદંડો અને લાયકાત ધરાવતા નથી, છતાં રિટર્નિંગ ઓફિસરે ગેરકાયદેસર રીતે તેમના ફોર્મ સ્વીકાર્યા છે.
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે આ ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાનો નિર્ણય કાયદાકીય રીતે યોગ્ય નહોતો. અદાલતે હાલની વચગાળાની વહીવટી વ્યવસ્થાને વધુ બે અઠવાડિયા માટે લંબાવવાની મંજૂરી આપી છે, જેથી એસોસિએશનનું કામકાજ ખોરવાય નહીં. હાઈકોર્ટના આ ઝટકા બાદ હવે વડોદરાના ક્રિકેટ રાજકારણમાં નવા સમીકરણો રચાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અયોગ્ય જાહેર કરાયેલા ચારેય ઉમેદવારો હાઈકોર્ટના આ સિંગલ જજની બેંચના નિર્ણયને ડિવિઝન બેંચમાં પડકારવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.
બીસીએમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી જૂથબંધીને કારણે રમત અને ખેલાડીઓના હિતને અસર પહોંચી રહી હોવાની ચર્ચા સભ્યોમાં થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં કોર્ટની આ કાયદાકીય લડાઈ કઈ દિશામાં ફંટાય છે અને વડોદરા ક્રિકેટનું સુકાન કોના હાથમાં આવે છે.