BREAKING NEWS

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસ: બરતરફ કરાયેલા બે ટાઉન પ્લાનરને હાઇકોર્ટનો રાહતભર્યો સ્ટે

  • July 31, 2026 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં ચર્ચિત રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શિસ્તભંગ અને ફરજમાં ગુનાહિત બેદરકારીના આરોપસર બરતરફ કરાયેલા ટાઉન પ્લાનિંગ વિભાગના બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ રામજીભાઈ મકવાણા અને રાજેશ નરશીભાઈ મકવાણાને ગુજરાત હાઇકોર્ટે વચગાળાની મહત્વપૂર્ણ રાહત આપી છે. હાઇકોર્ટે બંનેની બરતરફીની કાર્યવાહી પર સ્ટે મૂકતાં તેમને અંતિમ નિર્ણય સુધી બરતરફ નહીં પરંતુ સસ્પેન્ડ ગણવા તથા નિયમ મુજબનું નિર્વાહ ભથ્થું ચૂકવવાનો આદેશ કર્યો છે. કોર્ટે રાજકોટ મહાનગરપાલિકાને નોટિસ પાઠવી આગામી 7 ઓગસ્ટે વધુ સુનાવણી નિર્ધારિત કરી છે.


રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 32થી વધુ લોકોના મોત બાદ સંચાલકો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત 15 સામે ફોજદારી કાર્યવાહી ચાલી રહી છે. બીજી તરફ ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી સુઓ મોટો અરજી દરમિયાન કોર્ટે જવાબદાર અધિકારીઓ સામે લેવાયેલા પગલાં અંગે સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાએ ખાતાકીય તપાસ પૂર્ણ કરીને 8 જુલાઈ, 2026ના રોજ પાંચ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરતાં બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરને બરતરફ કર્યા હતા.


આ કાર્યવાહી સામે બંને અધિકારીઓએ ગોગીયા એન્ડ ગોગીયા એડવોકેટ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજદારોનો મુખ્ય દાવો હતો કે ખાતાકીય તપાસ દરમિયાન કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવામાં આવ્યું નથી. ખાસ કરીને અંતિમ નિર્ણય પહેલાં તપાસ અહેવાલ (ઇન્ક્વાયરી રિપોર્ટ) ઉપલબ્ધ કરાવવામાં આવ્યો ન હોવાથી પોતાની અસરકારક રજૂઆત કરવાની તક મળતી નહોતી.


જસ્ટિસ નિરલ આર. મહેતાની ખંડપીઠે બંને પક્ષોની દલીલો અને રેકોર્ડનો અભ્યાસ કર્યા બાદ પ્રથમદર્શી રીતે અરજદારોની રજૂઆતમાં તથ્ય હોવાનું નોંધ્યું હતું. કોર્ટે અવલોકન કર્યું કે તપાસ અહેવાલ આપ્યા વિના બરતરફીનો આદેશ કરાયો હોવાનું પ્રથમદર્શી રીતે જણાય છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોના ભંગનો મુદ્દો બની શકે છે. તેથી સમગ્ર મામલે વિગતવાર સુનાવણી જરૂરી હોવાનું માની હાઇકોર્ટે 27 જુલાઈના રોજ બરતરફીના બંને આદેશો પર અંતિમ નિર્ણય સુધી સ્ટે ફરમાવ્યો હતો.

હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અંતિમ સુનાવણી સુધી બંને અધિકારીઓને બરતરફ ગણવામાં નહીં આવે, પરંતુ સસ્પેન્શન હેઠળ માનવામાં આવશે અને તેમને મળવાપાત્ર નિર્વાહ ભથ્થું ચૂકવવું પડશે. કોર્ટે રાજકોટ મહાનગરપાલિકાને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી માટે 7 ઓગસ્ટ, 2026ની તારીખ નક્કી કરી છે. આ કેસમાં અરજદારો વતી સિનિયર એડવોકેટ આનંદ બી. ગોગીયા સાથે મુસ્કાન એ. ગોગીયા, કાજલ એલ. કલવાણી, ગૌરવ એ. ગોગીયા તથા સંજના જી. ગોગીયા હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News