BREAKING NEWS

આવતીકાલે પાણી અને સિંચાઈના મુદ્દે નવીદિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક

  • October 26, 2026 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ચાલુ વર્ષે નબળા ચોમાસા અને અપૂરતા વરસાદને પગલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાણીની અછતની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આગોતરી તૈયારીઓ તેજ કરી છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે આવતીકાલે, ૨૭ ઓક્ટોબરે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ તથા સંબંધિત મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાનારી આ બેઠકમાં પાણીની ઉપલબ્ધતા, વધારાના જથ્થાની ફાળવણી અને આગામી ઉનાળાની જરૂરિયાતો અંગે ચર્ચા કરવામાં આવશે.કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારી બેઠકમાં ગુજરાતને પડોશી રાજ્યો પાસેથી વધારાનું પાણી ઉપલબ્ધ કરાવવા સહિતના મુદ્દાઓ પર વિચારણા થવાની છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હી મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રાજ્યમાં વરસાદની સ્થિતિ, ખેતી અને પાણીની જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત ગુજરાતની જરૂરિયાત મુજબ અન્ય રાજ્યો પાસેથી પાણી મેળવવા માટે જળશક્તિ મંત્રાલય સમક્ષ પણ દરખાસ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળિયાએ જણાવ્યું છે કે હાલમાં ખરીફ પાકના ઉતારા અને પાકની સ્થિતિના સર્વેની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ જ દુષ્કાળ અથવા અછત અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે. જો સર્વેમાં પાકને નુકસાન થયું હોવાનું જણાશે અને ખેડૂતોને સહાયની જરૂરિયાત ઊભી થશે, તો સરકાર દ્વારા જરૂરી સહાય પેકેજ જાહેર કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.બીજી તરફ, સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ ઉપલબ્ધ હોવા છતાં તેના ઉપયોગ અને વિતરણનું આયોજન મહત્ત્વનું બન્યું છે. નર્મદાના પાણીમાં સંબંધિત રાજ્યોના હિસ્સા અને પાણીના વિતરણની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ગુજરાતે આગામી ઉનાળાની પીવાના પાણીની જરૂરિયાતનું આયોજન કરવું પડશે. આથી પાણીની ફાળવણી, નર્મદા કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી પહોંચાડવા તથા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ સંબંધિત મુદ્દાઓ પણ બેઠકમાં ચર્ચાઈ શકે છે.ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા જળવાઈ રહે તે રાજ્ય સરકાર માટે મહત્ત્વનો મુદ્દો છે. સાથે જ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનું નિયમિત વિતરણ જળવાઈ રહે તે માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.દિલ્હીમાં યોજાનારી બેઠકમાં લેવાતા નિર્ણયો અને પડોશી રાજ્યો સાથે થનારી ચર્ચાના આધારે ગુજરાતની પાણી વ્યવસ્થાપન નીતિ નક્કી કરવામાં મદદ મળશે. જોકે, દુષ્કાળ કે અછત અંગેનો સત્તાવાર નિર્ણય પાક સર્વે અને ઉપલબ્ધ આંકડાઓના આધારે જ લેવાશે. તેથી આવતીકાલની બેઠકની સાથે ખરીફ પાકના સર્વેના પરિણામો પણ રાજ્યના ખેડૂતો માટે મહત્ત્વના બની રહેશે.અહીં નોંધવું જરૂરી છે કે સરદાર સરોવર ડેમમાં લગભગ સો ટકા જેટલું પાણી છે પરંતુ પાણીમાંથી રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો હિસ્સો પણ છે આથી સામાન્ય સંજોગોમાં ગુજરાતમાં 70 થી 80% વિસ્તારમાં પીવાનું પાણી હેતુ માટે ને કેટલા અંશે ઉદ્યોગિક હેતુ માટે પાણીનું વપરાશ નર્મદા કેનાલ અને પાઇપલાઇન મારફતે થતો રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application